ગાંધીનગર : કોણ છે આ ડૉ. પ્રજ્ઞેશ પટેલ?
ડૉ. પ્રજ્ઞેશ પટેલ ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદિર પરિસરમાં અંબા ટાઉનશીપના બિઝનેસ પાર્કમાં “સહજ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર” ચલાવે છે. જેઓ આયુર્વેદ સર્જન (શલ્ય તંત્ર) ક્ષેત્રે માસ્ટર ડિગ્રી ધરાવે છે જે તેમણે જામનગર ખાતેની વિશ્વની સૌથી મોટી આયુર્વેદ યુનિવર્સિટીમાથી પ્રાપ્ત કરી છે, તેઓ હાલ કલોલ (જી.ગાંધીનગર)ની અનન્ય કોલેજ ઓફ આયુર્વેદ(કેઆઈઆરસી કેમ્પસ) ખાતે પ્રાધ્યાપક તરીકે પણ સેવા આપી રહ્યા છે અને અગાઉ ગાંધીનગરના કોલવડા ખાતેની ભારતની સૌથી મોટી આયુર્વેદ હોસ્પીટલમાં તેમજ અમદાવાદની સૌથી જૂની અને જાણીતી અખંડાનંદ આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પીટલમાં પણ તેમની સેવાઓ આપી ચૂક્યા છે.
“કોરોના વાયરસ જગતને હંફાવી રહ્યો હોય અને અર્થશાસ્ત્ર, રાજ્યનીતિ કે પ્રજાજીવનના બધાય સમીકરણ ઉપર નીચે કરી નાખી ધસમસી રહ્યો હોય ત્યારે જગતની મહાસત્તાઓ અને વૈશ્વિક પ્રબુદ્ધજનો પણ મોડર્ન મેડીકલ ચિકિત્સાની જટિલ આંટીઘુંટી પર ચર્ચા-વિચાર કરતા થઇ જાય તે સ્વભાવિક છે, લોકોમાં નિરાશા અને ભયનો માહોલ છે ત્યારે આપણા મહાન આયુર્વેદ વિજ્ઞાન જે અર્થવવેદનો ઉપવેદ છે, જેના થકી લોકકલ્યાણનું મહાન કાર્ય થઇ શકે એમ છે. એવો એક જ વર્ગ એનો પક્ષ લઇ શકે, અને કોઈ આયુર્વેદની અધિકૃત માહિતી સમાજ સુધી લાવી શકે, એ છે વૈદ્ય કે આયુર્વેદનો ચિકિત્સક.”
ઉપરોક્ત શબ્દો સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આયુર્વેદ સર્જન ડૉ. પ્રજ્ઞેશ પટેલ દ્વારા તા. ૨૪મી માર્ચના રોજ એક પત્ર લખવામાં આવ્યો હતો. ડૉ. પ્રજ્ઞેશ પટેલ ગાંધીનગર પાસેના અડાલજના ત્રિમંદિર પરિસરમાં અંબા ટાઉનશીપના બિઝનેસ પાર્કમાં “સહજ આયુર્વેદ અેન્ડ પંચકર્મ સેન્ટર” ચલાવે છે. વૈદ્ય પ્રજ્ઞેશ પટેલના કહેવા મુજબ ૧૯૨૮માં દુનિયાની પહેલી એન્ટી બાયોટિક પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી. એન્ટિબાયોટિક્સની શોધ થતાં જ વિશ્વઅે માની લીધું હતું કે હવે કોઈને ચેપ લઈ લાગે કે કોઈ ઇન્ફેક્શન પ્રસરી નહીં શકે. આ વાતને હજું ૧૦૦ વર્ષ પણ પુરા થયા નથી અને આપણે માની બેઠા છીએ કે એલોપેથી એ જ માત્ર સર્વ તબીબી વિજ્ઞાન છે. જો કે આ એન્ટિબાયોટિક શોધાઇ તે પહેલા પણ વિશ્વમાં ઇન્ફેક્શન થતા હતા અને તેની રિકવરી પણ થતી હતી તે વખતે એલોપેથીનું કોઇ અસ્તિત્વ જેવું નહોતું. તે વખતે દુનિયામાં અસંખ્ય યુદ્ધો લડતાં હતાં અને તે યુદ્ધોમાં માનવી સીધે સીધો શારીરિક રીતે સામેલ થતો હતો જેથી ઘાયલ પણ થતો હતો અને તે વખતે એલોપેથી જેવુ કશું નહોતું છતાં તે સાજો પણ થતો હતો. તે સમયે પણ ઇન્ફેકશન થતા હતા અને રિકવર પણ થતા હતા. તે સમયે સ્વાભાવિક રીતે આયુર્વેદ જ હતું. અત્યારે આપણે એવી માન્યતા બનાવી લીધી છે કે જેનો ઈલાજ એલોપેથીમાં ના હોય તેનો દુનિયામાં કોઈ ઉપાય જ ના હોય તેનું કારણ આપની પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ માનસિકતાને લીધે બની રહ્યું છે, હકીકત તો એ છે કે આયુર્વેદની ઉત્પતિ તો ખુદ બ્રહ્મા એ તેમના સ્મરણ માત્રથી જ કરી છે. (અષ્ટાંગ હ્રદય સંહિતામાં મહર્ષિ વાઘભટ્ટે લખ્યું છે કે “ બ્રહ્મા સ્મૃતવા આયુષો વેદમ: “
આયુર્વેદનો આધાર મુખ્ય બે હેતુઓ પર છે :
૧. સ્વસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણમ (સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા કરવી) એટલે કે “પ્રિવેંશન”.
૨. આતુર્સ્ય વિકાર પ્રસન્નમ ચ: (રોગી વ્યક્તિના રોગને મટાડવો) એટલે કે “ક્યોર”
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝિંગ એમ ૩ મુદ્દા સિવાય આહાર, વિહાર અને ઔષધનો નિર્દેશ કરવામાં આવ્યો છે. પશ્ચિમ પાસે આયુર્વેદ નથી એટલે એ લોકો ડરે તે સ્વાભાવિક છે.
• આહાર (ડાયેટ) : આયુર્વેદમાં મુખ્ય છ ઋતુ જણાવી છે તે મુજબ અત્યારે વસંત ઋતુ ચાલી રહી છે જેમાં કફદોષ હોવો સામાન્ય બાબત છે. આ દોષના કારણે શરદી, ઉધરસ, અસ્થમા, ગળું દુખવું, વાઇરલ ફીવર થવો વગેરે તકલીફો થાય છે તેથી આ ઋતુમાં એવો ખોરાક લેવો જોઈએ કે જે કફદોષને ઓછો કરે તો તેમાથી બહાર નીકળી શકાય. અત્યારે ડાયેટ માટે જવ, બાજરો અને મકાઇ ખાવી જોઈએ. કડવા અને તૂરા રસવાળા શાકભાજી જેવા કે વેલવાળા શાકભાજી જેમાં પરવાર, કારેલાં, કંકોડા, દૂધી, ગલકા, તુરીયા, મેથી, પાલક, તાંદળજો વગેરેનું સેવન કરવું જોઈએ. જીરાસર ચોખા, જૂના ચોખા ઉપરાંત કઠોળમાં માગ, મઠ, મસૂર, તુવર અને ચણા લઈ શકાય. ફળમાં દાડમ અને દ્રાક્ષ ગુણકારી છે. પાણી એક ચમચી સૂંઠ નાખીને ઉકાળેલું લેવું જોઈએ તથા દૂધની તમામ બનાવટ એટલે કે ડેરી પ્રોડક્ટસ અત્યારે લેવી જોઈએ નહીં. હા, ગાયનું દૂધ તેમાં એક ચમચી હળદર નાખીને જ લેવું જોઈએ. અત્યારે તમામ પ્રકારના કોલ્ડ ડ્રિંક્સનો ત્યાગ કરવો હિતકારી છે. દહી, મેંદો, અડદ, માંસાહારમાં બિફ, પોર્ક અને ફિશ વગેરે પચવામાં ભારે ખોરાક છે જે અત્યારે ટાળવા જોઈએ.
• વિહાર (જીવનશૈલી-લાઇફસ્ટાઇલ) : વસંત ઋતુમાં દિનચર્યામાં ફેરફાર કરવો જોઈએ જેમાં સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, નિયમિત હળવો વ્યાયામ કરવો, હળવા યોગ-પ્રાણાયામ કરી શકાય પરંતુ બપોરે જમી લીધા પછી સૂઈ જવાની આદતને છોડી દેવી. આ સાથે વાયુશુદ્ધિ એટલે કે માસ ફ્યુમિગેશન કરવું જે માટે ઔષધિય ધૂપ દ્વારા હવાનું શુદ્ધિકરણ કરવાથી વિષાણુઓ તેમાં પ્રવાસ કરી શકતા નથી તેથી તેનું પ્રસરણ અટકી જાય છે. આપણે શરીરની અંદર અને બહાર વાઇરસને અનુકૂળ હોય તેવા વાતાવરણને બદલી નાખીએ તો વાઇરસ ટકી શકતો નથી. ઔષધિય ધૂપ માટે ગૂગળ, અગુરુ, સરસવ, જવ, કડવા લીમડાના પાન, હરડે, કઠ, ઘોડાવ્રજ, ગાયનું ઘી વગેરે ગાયના છાણના છાણાંને સળગાવી તેના પર નાખી ઘરમાં ધૂપ કરવો જોઈએ.
• ઔષધ (મેડિસિન) : આયુર્વેદમાં આ પ્રકારની પરિસ્થિતી માટે “અભયાદિ ક્વાથ” એટલે કે એક પ્રકારનો ઉકાળો ઉપલબ્ધ છે જે શાલ્ન્ધર સંહિતામાં સૂચવેલ છે. આ ક્વાથ તેના નામ મુજબ જ મહારોગોમાથી બહાર કાઢી અભય આપનારો છે, આ ક્વાથનું સેવન માનવીને વાઇરલ ફીવરથી બચાવે છે, ફેફસાના વધુ પડતાં ઇન્ફેકશનને મટાડે છે. શરદી અને ઉધરસને તો તરત જ મટાડે છે. જો માત્ર પ્રિવેંશન માટે લેવો હોય તો ૧ સમયે અને ઇન્ફેક્ષન હોય તો દિવસમાં બે વાર તેનું સેવન કરવું જોઈએ. યાદ રાખો કે આયુર્વેદમાં પરેજી ખૂબ મહત્વની છે જે ઔષધની તાકાતને વધારે છે. (એલોપેથીમાં પણ પરેજી વગર એકલી દવા અસર નથી કરતી જેમ કે ડાયાબિટિશ હોય ત્યારે ગળ્યું ના ખાવું, હ્રદયરોગ હોય ત્યારે ઘી-તેલનો ત્યાગ કરવો વગેરે)
વૈદ્ય પ્રજ્ઞેશ પટેલે અંતમાં જણાવ્યુ છે કે “આપણે હાલ કોરોનાથી ડરી રહ્યા છીએ પરંતુ વિશ્વમાં સૌથી મોટા કીલર તો મેલેરિયા, ટીબી, કેન્સર વગેરે રોગો છે જેની દવા શોધાઈ હોવા છતા તેના કારણે થતો મૃત્યુ આંક હજુ પણ ઘણો ઊંચો છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા મુજબ કોરોના કોવિદ-૧૯ વાઇરસથી થતો મૃત્યુ આંક તો માત્ર ચાર ટકા જેટલો જ છે તેથી તેનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે.