ગાંધીનગર: ઓનલાઇન કે માર્કેટમાં જઇને ખરીદી કરવી એ વિશે વેતાળ અને એની પત્ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એક તો રૂપિયાની ખેંચ હતી એટલે ઉધારી કરવી પડે તેમ હતી. આમ તો, દિપાવલી પર્વમાળા આડે આઠ દિવસ જેટલો સમય બાકી છે. કોરોનાનો ડર ભૂલીને નવા વર્ષને વધાવવા માટે લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારના બજારો જ નહીં પણ પરા વિસ્તારના બજારોમાં પણ ખરીદી માટે લોકોની ચહલપહલ રવિવારના દિવસે જોવા મળી હતી. અને સાવચેતીના પગલા રૂપે વેતાળ એને માર્કેટમાં જવા માટે ના પાડતો હતો, વાત વધુ વકરે તે પહેલાં જ રાજા વિક્રમ વેતાળને ખભે ઉપાડી ચાલવા લાગ્યો…
“હે રાજા વિક્રમ, દિવાળી પર્વમાં અત્યારે ખરીદી માટે લોકોનો ઉત્સાહ જોઈ મંદીના વાદળો દૂર થવાની આશા વેપારી વર્ગમાં જાગી છે. આગામી તા. 12ના રોજ વાકબારસથી દિપાવલી પર્વમાળા શરૂ થશે તે પહેલાં ખરીદીની ચમક સતત વધતી જશે. ખાસ કરીને આગામી રવિવારે ચિક્કાર ભીડ થવાની ગણતરી સાથે વેપારીઓએ અને તંત્રએ સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટેની તૈયારી શરૂ કરી છે. એક તો ખિસ્સામાં રૂપિયા નથી અને પણ મને કોરોનાનો ચેપ લાગવાનો ભય લાગે છે…”
“જો વેતાળ! દિવાળી આવે એટલે ખરીદી તો કરવી જ પડે. રોકડાં ન હોય તો ઉધાર લઈને પણ… આ ઉધાર શબ્દ પણ સંસ્કૃતના શબ્દ ઉધ્ધારમાંથી આવ્યો છે. કયાં ઉધાર કહીને કોઇને નીચાજોણું કરાવવું અને ક્યાં ઉપર ઊઠાવવા, બચાવવા જેવો અર્થ ધરાવતો ઉધ્ધાર શબ્દ… પણ કોઇ આર્થિક સંકડામણમાં હોય. હાલમાં નાણાં ન હોય પણ ભવિષ્યમાં નાણા મળશે જ તેવી પૂરી શક્યતા હોય. પણ તેમાં માણવાનો, જીવવાનો સમય વીતી જાય તેમ હોય ત્યારે આવી મૂંઝવણમાંથી તેનો ઉધ્ધાર કરવો એટલે ‘ઉધાર’ આજે લઇ જાવ… કાલે વ્યાજ સહિત ટુકડે ટુકડે ચૂકવી જજો… પણ સુખ-સુવિધા આજે જ ભોગવી લો એટલે ઉધ્ધાર… ઉધાર…
તહેવારના મૂડમાં લોકો પાસે બચત ન હોય તો પણ જરૂર ન હોય તેવી વસ્તુ બીજા પર પ્રભાવ પાડવા ખરીદતા હોય છે. આમ પણ ફેમિલી એક ‘વર્કશોપ’ કહેવાય છે. એક-બે જણા ‘વર્ક’ કરતાં હોય અને બાકીના શોપિંગ કરે અને અત્યારનો માહોલ એવો છે કે દિવાળીને ‘નેશનલ શોપિંગ ફેસ્ટિવલ’ જાહેર કરવી જોઇએ. બધી જ જગ્યાએ જાહેરાત અને જાહેરાત… ન્યૂઝ પેપરથી લઇને બેનરમાં, ટીવીમાં, પેમ્ફ્લેટ રૂપે, સાઇન બોર્ડ તરીકે. બસ નજર સામે જાહેરાત આવતી જ રહે છે. અને મગજ પર સતત ટકોરા મારતી રહે… વિચારોમાંથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય… ખરીદી.
દિવાળીના થોડા દિવસો પહેલાંના સર્વે ભલેને એમ બતાવતા હોય કે બજારમાં મંદી છે, દિવાળી પર ખરીદીનો માહોલ નથી, પણ છતાંય દિવાળીનો દિવસ આવે ત્યાં સુધી બજારમાં ખરીદી તો હોય જ… ફટાકડાનું વેચાણ પણ એ દિવસે વધુ થાય. નવા ઉપકરણ, નવી કાર, નવું વાહન, નવા ઘરનું બુકિંગ, નવા કપડાં… એવું બધું ખરીદવાનો શુભ અવસર, શુભ દિવસ એટલે દિવાળી. ફેશન, ફાઇનાન્સ, ફાયરફેકર્સ અને ફૂડ… આ ચાર ‘એફ’ના પાયા પર દિવાળી ટકી છે. પહેલાં કરતા જિંદગી જીવવાની મજા વધી છે. માણવાની મજા વધી છે, સગવડતા વધી છે એટલે જાતે કામ કરવામાં આળસ, શરમ, થાક, કંટાળો બધું જ આવે છે, એટલે જ દિવાળીનો તહેવાર હવે ‘બનાવવા’ માંથી ‘ખરીદવા’માં જતો રહ્યો છે. નાની- મોટી કેટલી વસ્તુ હવે બનાવવાને બદલે ખરીદવાનો મૂડ હોય છે. બજારમાંથી ખરીદાઇ જતાં પેંડા, બરફી, કાજુ કતરી જેવી મીઠાઇઓ ઘરમાં બનતાં મગજને આઘો મૂકી દીધો છે. ચેવડો, ચવાણું, વેફર બધું જ રેડીમેડ, તાજા ફળના રસને બદલે પેકેટડ જ્યૂસ, ડિઝાઇનર રંગોળી, રોશની માટે એલ.ઇ.ડી. લાઇટ્સ બધું જ તૈયાર… દિવાળીના બે-ચાર દિવસ પહેલાં કાપડ લાવીને દરજીની સામે બેસીને કપડાં સિવડાવવાનું હવે બંધ હવે તો તૈયાર કપડાં… એ પણ ઓનલાઇન. આપણી સંસ્કૃતિ મુજબ દિવાળી એટલે ‘દિવાઓની આવૃતિ’ વર્તુળ આકારે ગોઠવેલા દિવા એટલે દિવાળી, પણ હવે દિવા પણ આઉટ ઓફ ફેશન થઇ ગયા છે. વાટ બનાવી, તેલ પૂરી દિવો કરવાને બદલે એલઇડીની ખરીદી વધુ સગવડતાવાળી છે.
એટલે જ કહેવાય છે કે દિવાળીની ઉજવણી ખરીદી વગર શક્ય જ નથી. બસ જાહેરાતના મારામાં, તહેવારના મૂડમાં ખરીદી કરવાનું મન થઇ જ જાય એવો કંઇક જાદુ છે. દિવાળીમાં ચારે બાજુ ખરીદીનો માહોલ હોય, રંગબેરંગી ઝળહળાટ હોય. તેમાં આપોઆપ બધા જ ખરીદીના મૂડમાં આવી જાય છે. બધું આકર્ષક લાગે. લિસ્સા- રંગીન ડિસપ્લેવાળા સાઇન બોર્ડસ, પોસ્ટર્સ આંખમાં સમાઇ જતો મેઘધનુષી ભપકો, ડ્રાયફ્રૂટસ હોય કે ફટાકડાં, કપડાં હોય કે ઇલેક્ટ્રિક ઉપકરણ. બધાની રજૂઆત જ એવી હોય કે ઉધાર લઇને પણ ખરીદવાનું મન થઇ જ જાય. અને દિવાળી એટલે ‘શુભ દિવસો’ એ સામાજિક માન્યતા પણ ખરીદી કરવા ધક્કા મારે. બધા કંઇક ખરીદી કરે જ છે. તો આપણે પણ કરી લઇએ… એવું મન થઇ જ જાય.
કાર, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, મોબાઇલ, જ્વેલરી, વાહનો જેવી મોંઘી વસ્તુનું વેચાણ દિવાળીએ થાય એટલા માટે ડિસ્કાઉન્ટની લલચામણી ઓફર આપે છે. ઇન્સ્ટોલમેન્ટની સગવડ આપે છે અને હવે તો ડાઉન પેમેન્ટ જેટલા નાણાંની પણ જરૂર નથી લઇ જાવ આજે… પછી ચૂકવતા રહેજો. બસ એ જ સગવડતાના કારણે દિવાળીનું વેચાણ વધી જાય છે. નાની મોટી વસ્તુના સેલ યોજાય છે. માણસ માત્રને જૂનું બદલાવીને નવું લેવાની ઇચ્છા હોય જ છે. તેમાં દિવાળી એટલે સપનાઓને હકીકતમાં બદલવાનો તહેવાર છે, સ્પેશિયલ ખરીદીનો સમય છે. સસ્તા વ્યાજ દરે સહેલાઇથી મળતી લોનની સગવડ પણ આવા વિચારોને ધક્કા મારે છે. આમ પણ દિવાળી લક્ષ્મી પૂજનનો તહેવાર છે. ઉધાર ખરીદો કે લોન લઇને આવતીકાલની લક્ષ્મી આજે જ મેળવી તો. ફુલ સ્પીડના જમાનામાં પૈસા બચાવીને બુઢ્ઢા થવાનું કોઇને ગમતું નથી. બચત ન હોય તો કંઇ નહીં. ઉધાર તો મળે જ છે ને… ખરીદી લો… પછી હપ્તા ભરાશે…”
“વાત તો તમારી એકદમ સાચી છે કે દેવું કરીને દિવેલ પીવું પડશે. કોઈ મોલ કે માર્કેટમાં જવા માટે ખિસ્સામાં રૂપિયા જોઈશે ને? આમ પણ ઓનલાઈન કે માર્કેટ જો ક્રેડિટ કાર્ડ હશે તો પંચાવન દિવસની રાહત તો મળશે અને દિવાળી ઝગમગાટ કરી જશે…” એમ કહેતા વિક્રમ વેતાળ નવું ક્રેડિટ કાર્ડ લેવા નીકળી પડ્યા.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.