ગાંધીનગર : આજે ભારતની યુવા પેઢીની સમગ્ર વિશ્વમાં બોલબાલા છે અને યુવા દિકરીઓ તેમની પ્રતિભા થકી આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી રહી છે. આવી જ એક ગાંધીનગરની દિકરી ભાર્વી દાણીએ પોતાની પૂણે ખાતેની કોલેજના અન્ય બે મિત્રો સાથે મળીને હાવર્ડ યુનિવર્સિટીની ૪૮ કલાકની એક ઓપન ઈવેન્ટમાં ભાગ લઈને સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવ્યું છે. આ ઓનલાઈન ઈવેન્ટમાં વિશ્વભરમાંથી ૧૬૯ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ટીમ નાલંદાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે ત્રીજું સ્થાન મેળવી સૌને ચોંકાવી દીધા છે. વૈશ્વિક સ્તરે સુવિખ્યાત હાવર્ડ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થા ‘પોલીસી ફોર ધ પીપલ’ દ્વારા ગત તા. ૨૩મી થી ૨૫મી ઓકટોબર દરમિયાન ‘પેન્ડેમિક પોલીસીથોન’ નામની ઓનલાઈન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિવિધ વિષયે નીતિ ઘડતરનું કાર્ય કરવાનું હતું.
આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ ૧૬૯ ટીમોએ થકી એક હજારથી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. દરેક ટીમને જાહેર આરોગ્ય, આર્થિક સમાનતા, વોટીંગ, ટેકનોલોજી જેવા વિવિધ વિષયો પૈકી આયોજકો દ્વારા એક વિષય ફાળવવામાં આવ્યો હતો. જેના પર ત્રણ દિવસ દરમિયાન યોજાનારા વેબિનાર્સના આધારે એક સંકલિત નીતિ ઘડીને રજૂ કરવાની હતી. આ સ્પર્ધા ભારતીય સમય મુજબ તા. ૨૩મી ઓકટોબરે રાત્રે ૨.૩૦ વાગે શરૂ થઈ હતી અને તા. ૨૫મી ઓકટોબરે રાત્રે ૩.૩૦ કલાકે પુરી થઈ હતી. આ દરમિયાન દરરોજ યુએસ સમય મુજબ ૫ થી ૮ વાગ્યા દરમિયાન વેબનાર્સ યોજાતા હતા.
આ સ્પર્ધામાં પૂણે ખાતે સીમબાયોસીઝ સ્કૂલ ઓફ ઈકોનોમિકસ કોલેજમાં અભ્યાસ કરતી ગાંધીનગરની ભાર્વી દાણી તથા તેની કોલેજના અન્ય બે સહઅધ્યાયીઓ ગીરીશ શર્મા અને ગડ્ડમુંગું વેંકટ અન્વિતાએ મળીને ૩ જણની ટીમ બનાવી ભાગ લીધો હતો. તેમણે ટીમનું નામ ભારતની પ્રાચીન યુગની શૈક્ષણિક ધરોહર નાલંદા વિશ્વ વિદ્યાલય પરથી ‘ટીમ નાલંદા’ રાખ્યું હતું. સ્પર્ધામાં યુએસ ટાઈમ મુજબ તા.૨૫મીએ રાત્રે ૧૦.૩૦ કલાકે પહેલા ટીમને ફાળવેલ વિષય આધારિત પોલીસી બનાવી તેને અપલોડ કરી દેવાની હતી. ટીમ નાલંદાએ ૧૦ વાગે તેમની ફાઈનલ પોલીસી અપલોડ કરી દીધી હતી. આ સ્પર્ધાનું પરિણામ તા. ૨૯મી ઓકટોબરે જાહેર થયું. જેમાં ટીમ નાલંદાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પ્રથમ સ્થાને યુએસની એક ટીમ અને દ્વિતિય સ્થાને કેનેડાની એક ટીમ વિજેતા બની હતી. હાવર્ડ યુનિવર્સિટી દ્વારા દરેક ટીમમાં વધુમાં વધુ ૪ સ્પર્ધક સામેલ કરી શકાતા હતા પરંતુ ‘ટીમ નાલંદા’એ માત્ર ૩ જ સભ્યો થકી આ સિધ્ધિ હાંસલ કરી હતી. જેમાં ગાંધીનગરની દિકરી ભાર્વી દાણીએ સામેલ થઈને ગાંધીનગર સહિત પોતાના પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે. ભાર્વી કુડાસણના રાધે રેસીડેન્સી ખાતે વસવાટ કરતા જીજ્ઞેશ દાણી અને તેજલ દાણીના સુપુત્રી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાર્વી દાણીની ટીમ નાલંદાએ સ્પર્ધામાં તેમને ફાળવવામાં આવેલ ટેકનોલોજી વિષયમાં ‘ડિજીટલ પ્રાઈવસી’ સંદર્ભે પોલીસી તૈયાર કરી હતી જેને કુલ ૩૫ માર્કસ પૈકી ૩૦ માર્કસ પ્રાપ્ત થયા હતા.
હાવર્ડ યુનિવર્સિટીની સ્પર્ધામાં ટીમ નાલંદાને ફાળવેલા ટેકનોલોજી વિષયમાં તેમણે ભારતમાં ડિજીટલ પ્રાઈવસીની જરૂરિયાત ખુબ જ અગત્યની હોવાનું અને ડિજીટલ લીટરસી વગર તે શકય નથી તે તારણને આધારે પોલીસી બનાવી હતી. ડિજીટલ લીટરસી વધારવા તેમણે શાળાકીય કક્ષાએથી મોડયુલ બનાવવું, દરેક વપરાશમાં ડેટાની સુરક્ષા કેટલી છે?, મોટી મોટી કંપનીઓ દ્વારા બલ્ક ઈમેલ, માર્કેટીગમાં ડેટાની સુરક્ષા બાબતે સરકારે પગલાં લેવાની જરૂર, ફ્રી વાઈ-ફાઈમાં યુઝર્સના ડેટાની સિકયુરીટી, કોઈ પણ ડાઉનલોડ દરમિયાન ‘ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ’ યુઝર વાંચીને સમજી શકે તેટલી સરળ ભાષામાં વન લાઈનર્સ સાથેની હોય તેમજ સરકાર ‘સ્વયંમ્’ પ્રોજેકટને ડિજીટલ લીટરસી વધારવાની જવાબદારી સોંપી ડિજીટલ પ્રાઈવસી અંગે દરેક છેવાડાના જરૂરિયાતમંદોને પણ સમજણ પડે તે માટે પ્રયાસો કરે તેવા સૂચનો ટીમ નાલંદાએ તેમની પોલીસીમાં રજૂ કર્યા છે.
ગાંધીનગરની ભાર્વી દાણી પૂણે ખાતાની સીમબાયોસીઝ સ્કૂલ ઓફ ઈકોનોમીકસમાં અભ્યાસ કરે છે જયાં કોલેજ દ્વારા ‘અર્થનીતિ’ નામની સ્ટુડન્ટ કલબ ચલાવાય છે. જેમાં સામેલ વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર આધારિત અને કોલેજની ગતિવિધી આધારિત લેખો લખી તેના બ્લોગમાં પ્રકાશિત કરવાના હોય છે. અને આ વર્ષે ભાર્વી દાણી ‘અર્થનીતિ’ કલબની ચુંટણી જીતીને કલબ હેડ બની ચુકી છે. આ ઉપરાંત તે પોતે પોતાના બ્લોગ્સ પણ લખી રહી છે.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube