ગાંધીનગર : ગાંધીનગરની ગરમીમાં ગાંધીનગરાઓની ભીતરમાં ભીનાશ રેલાવનાર ‘ગ્રીષ્મોત્સવ’ના અંતિમ દિવસે ભારતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પદ્મશ્રી કૈલાશ ખેર અને તેમના કૈલાસા બેન્ડે ગાંધીનગરવાસીઓને રીતસર ડોલાવ્યા હતા. સતત બે કલાકથી વધારે સમય સુધી પદ્મશ્રી કૈલાશ ખેરે લોકપ્રિય ગીતોની નોનસ્ટોપ પ્રસ્તુતિ કરીને ગાંધીનગરાઓને તરબતર કરી દીધા હતા.
પદ્મશ્રી કૈલાશ ખેરે ગાંધીનગર કલ્ચરલ ફોરમના મંચ પરથી બોલતાં જણાવ્યું હતું કે, ગુજરાતીઓ હંમેશા ‘મજામાં’ હોય છે. મને ગુજરાતીઓની આ લાક્ષણિકતા ખૂબ જ સ્પર્શે છે. ગમે તેટલી વિપદા અને વિપરીત પરિસ્થિતિમાં પણ કોઈ ગુજરાતીને પૂછો કે કેમ છે..? તો તે કહેશે, ‘મજામાં’. મજામાં રહેવાના ગુજરાતીઓના આ સ્વભાવને કારણે, એક ગુજરાતીને કારણે આજે આખું ભારત ‘મજામાં’ છે.
જાણીતા પ્લેબેક સિંગર-મ્યુઝિક કમ્પોઝર પદ્મશ્રી કૈલાશ ખેર વર્સેટાઇલ સિંગર છે. ગઝલ, સુફી સંગીત, કવાલી, લોકગીત કે ભક્તિગીત; કોઈપણ ક્ષેત્રે તેમનું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહ્યું છે. તેમણે અત્યાર સુધીમાં ૨૦થી વધુ ભાષાઓમાં ગીતો ગાયાં છે. ૧૫૦૦થી વધારે ફિલ્મી ગીતો ગાયાં છે અને એક હજારથી વધુ રેડિયો જિગલમાં તેમણે પોતાનો સ્વર આપ્યો છે. વર્ષ ૨૦૧૭ માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે.
પદ્મશ્રી કૈલાશ ખેરના પિતાજી પંડિત મહેર સિંગ પણ લોકગાયક હતા. પદ્મશ્રી કૈલાશ ખેરના અવાજમાં પિતાજી પંડિત મહેર સિંગ ખેરના લોકગીતોની ગળથૂથી છે. પંડિત ગોકુલોત્સવજી મહારાજ, પંડિત કુમાર ગાંધર્વ અને પંડિત ભીમસેન જોશીના શાસ્ત્રીય સ્વરો જેવી સજ્જતા છે. નુસરત ફતેહ અલી ખાનના સૂફી સંગીતની મીઠાશ છે તો હૃદયનાથ મંગેશકર અને લતા મંગેશકર જેવા સ્વરો સરીખી કુમાર છે કુમાશ છે. આવા ગાયક પદ્મશ્રી કૈલાશ ખેરે પોતાના પાવરફુલ પરફોર્મન્સથી ગાંધીનગરવાસીઓને ડોલાવ્યા હતા.
પદ્મશ્રી કૈલાશ ખેરે પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં અને એક હાથમાં ડમરુ સાથે ભગવાન શિવ નટરાજની મુદ્રામાં નર્તન કરીને ગીતો રજૂ કર્યા ત્યારે ગાંધીનગરવાસીઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા તેમના ધર્મપત્ની અને જાણીતા અભિનેત્રી શ્રીમતી રોમા માણેક મકવાણા તથા ગાંધીનગરના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગ્રીષ્મોત્સવની છેલ્લી સાંજની શરૂઆતમાં ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્તભાઈ જહાએ ગાંધીનગર કલ્ચરલ ફોરમની પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. સભ્યોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષ દરમિયાન કલ્ચરલ ફોરમ દ્વારા અનેકવિધ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરાશે. કલા અને સાહિત્યના માધ્યમથી આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન માટે કલ્ચરલ ફોરમ કટિબદ્ધ છે. તેમણે તમામ ગાંધીનગરવાસીઓ વતીથી પદ્મશ્રી કૈલાશ ખેરને પુષ્પો આપીને તેમનું અભિવાદન કર્યું હતું.
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtu