“મૂળ ગુજરાતના બિઝનેસમૅન ગૌતમ અદાણી સંપત્તિ મામલે બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ચોથા ક્રમના સૌથી વધુ ધનિક બન્યા છે.” આ સમાચાર સાંભળીને વેતાળના કાન સરવા થયા. “ફોર્બ્સ રિયલટાઇમ બિલિયોનેર લિસ્ટ અનુસાર 60 વર્ષીય ગૌતમ અદાણીની સંપત્તિ 115.5 બિલિયન ડૉલર થઈ હતી. જ્યારે બિલ ગેટ્સની કુલ સંપત્તિ 104.6 બિલિયન ડૉલર હતી.” એક બાદ એક સમાચારની સાથે વેતાળને ગૌતમ અદાણીના સમાચારમાં રસ પડ્યો. એણે વધુ માહિતી મેળવવા રાજા વિક્રમની હેલ્પલાઈન પર ફોન લગાવ્યો.
“હે મહારાજા વિક્રમ, હું તો આ દુનિયાના સૌથી શક્તિશાળી અને ધનાઢ્યની યાદીમાં ગૌતમ અદાણીને જોઈ ગદગદ થઈ ગયો…”
“જો ડિયર વેતાળ, જ્યારે 90 બિલિયન ડૉલર સાથે મુકેશ અંબાણી વિશ્વની દસમા ક્રમની સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા હતા. ત્યારે આ યાદીમાં 235.8 બિલિયન ડૉલરની સંપત્તિ સાથે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક એલન મસ્ક વિશ્વના ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમે આવ્યા છે. ગૌતમ અદાણી સંપત્તિ મામલે બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના ચોથા ક્રમના સૌથી વધુ ધનિક બન્યા છે.
ઈ.સ. 1978ની વાત છે. કૉલેજનો એક નવયુવક ભણવાની સાથે એક સપનું જોઈ રહ્યો હતો. એક દિવસ એણે અચાનક જ કૉલેજનો અભ્યાસ અધવચ્ચેથી છોડી દીધો. એ નવયુવકની ગણતરી હાલ એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં થવા લાગી છે. અને એ છે ગૌતમ અદાણીની… ઘરના કરિયાણાથી માંડીને કોલસાની ખાણ સુધી, રેલવે, ઍરપૉર્ટ, બંદરોથી માંડીને વીજળી ઉત્પન્ન કરવા સુધીના સંખ્યાબંધ કારોબાર એવા છે. જેમાં ગૌતમ અદાણીની મોટી હાજરી છે. ગૌતમ અદાણીની આ સફળતાનું રહસ્ય શું છે? એમની જિંદગી અને વેપારની પ્રવાસયાત્રા કેવી છે?
ગૌતમ અદાણીએ 1978માં પોતાનું કૉલેજ શિક્ષણ અધૂરું મૂકીને મુંબઈના હીરાબજારમાં હાથ અજમાવ્યો હતો. પરંતુ, એમની કિસ્મત ચમકવાની શરૂઆત થઈ 1981થી, જ્યારે તેમના મોટાભાઈએ તેમને અમદાવાદ બોલાવ્યા. તેમના ભાઈએ સામાન પૅક કરવા માટેની પ્લાસ્ટિકની એક કંપની ખરીદી હતી, પરંતુ એ બરાબર ચાલતી નહોતી. એ કંપનીને જે કાચો માલ જોઈતો હતો એ પૂરો નહોતો પડતો. જેને એક અવસરમાં પલટતાં અદાણીએ કંડલા પૉર્ટ પર પ્લાસ્ટિક ગ્રૅન્યુઅલ્સની આયાત શરૂ કરી અને 1988માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બની, જેણે ધાતુ, કૃષિ ઉત્પાદનો અને કપડાં જેવી વસ્તુઓનું કૉમોડિટી ટ્રેડિંગ શરૂ કર્યું. થોડાંક જ વર્ષોમાં એ કંપની અને અદાણી આ ઉદ્યોગનું એક મોટું નામ બની ગયાં.
અદાણી એન્ટરપ્રાઇઝ અનુસાર ઈ.સ. 1994માં બીએસઇ અને એનએસઇમાં કંપનીના શૅર લિસ્ટ થયા હતા. તે વખતે તેમના એક શૅરનો ભાવ 150 રૂપિયા હતો. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. ઈ.સ. 1995માં અદાણી જૂથે મુંદ્રા પૉર્ટનું સંચાલન શરૂ કર્યું. લગભગ 8 હજાર હૅક્ટરમાં વિસ્તરેલું અદાણીનું મુંદ્રા પૉર્ટ આજે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. મુંદ્રા બંદર પરથી ભારતના લગભગ એક ચતુર્થાંશ માલનું આવાગમન થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને ઓડિશા જેવાં સાત સમુદ્રી રાજ્યોમાં 13 સ્થાનિક બંદરમાં અદાણી ગ્રૂપની હાજરી છે. એમાં કોલસાથી ચાલનારું વિશાળ ઇલેક્ટ્રિક સ્ટેશન અને વિશેષ આર્થિક ક્ષેત્ર પણ છે.
મુંદ્રા બંદર પર દુનિયામાં કોલસાની સૌથી મોટી માલ ઉતારવાની ક્ષમતા છે. આ બંદર સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન અંતર્ગત બનાવાયું છે, જેનો અર્થ એવો થાય કે, તેની પ્રમોટર કંપનીએ કશો ટૅક્સ ભરવાનો નથી હોતો. આ ઝોનમાં વીજળી પ્લાન્ટ, ખાનગી રેલવે લાઇન અને ખાનગી ઍરપૉર્ટ પણ છે. જાન્યુઆરી 1999માં અદાણી ગ્રૂપે વિલ એગ્રી બિઝનેસ ગ્રૂપ વિલ્મર સાથે સમજૂતી કરીને ખાદ્ય તેલના બિઝનેસમાં પદાર્પણ કર્યું. આજે દેશમાં સૌથી વધારે વેચાતું ફૉર્ચ્યુન ખાદ્ય તેલ અદાણી–વિલ્મર કંપની જ બનાવે છે.
ફૉર્ચ્યુન તેલ ઉપરાંત અદાણી ગૂપ વપરાશની વસ્તુઓના ક્ષેત્રમાં લોટ, ચોખા, દાળ, ખાંડ જેવી સંખ્યાબંધ વસ્તુઓ બનાવે છે. 2005માં અદાણી ગૂપે ભારતીય ખાદ્ય નિગમની સાથે મળીને દેશમાં મોટા મોટા સાઇલોઝ બનાવવાની શરૂઆત કરી. સાઇલોઝમાં મોટા પ્રમાણમાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. શરૂઆતમાં 20 વર્ષના કૉન્ટ્રેક્ટ સાથે અદાણી ગ્રૂપે દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં સાઇલોઝનું નિર્માણ કર્યું. તેની કનેક્ટિવિટી માટે અદાણી ગ્રૂપે ખાનગી રેલવે લાઇનો પણ બનાવી, જેથી સાઇલોઝ યુનિટથી આખા ભારતમાંનાં વિતરણ કેન્દ્રો સુધી અનાજના પરિવહનને સરળ કરી શકાય.
આજની તારીખે અદાણી એગ્રી લૉજિસ્ટિક્સ લિમિટેડ દેશમાં ભારતીય ખાદ્ય નિગમ અને મધ્ય પ્રદેશ સરકારના અનાજને પોતાના સાઇલોઝમાં રાખે છે. એમાં ભારતીય ખાદ્ય નિગમના 5.75 લાખ મૅટ્રિક ટન અને મધ્ય પ્રદેશ સરકારના 3 લાખ મૅટ્રિક ટન અનાજનો સમાવેશ થાય છે. ફૉર્ચ્યુન ઇન્ડિયા મૅગેઝિન અનુસાર, ઈ.સ. 2010માં અદાણીએ ઑસ્ટ્રેલિયાની લિંક એનર્જી પાસેથી 12,147 કરોડમાં કોલસાની ખાણ ખરીદી હતી. ગેલી બેસ્ટ ક્વિન આયર્લૅન્ડમાંની આ ખાણમાં 7.8 બિલિયન ટનનો ખનિજ ભંડાર છે, જેમાંથી દર વર્ષે 60 મિલિયન ટન કોલસો મેળવી શકાય છે.
ઇન્ડોનેશિયામાં તેલ, ગૅસ અને કોલસા જેવાં પ્રાકૃતિક સંસાધનો ખૂબ જ પ્રમાણમાં છે, પરંતુ આધારભૂત સગવડોના અભાવના લીધે આ સંસાધનોનો પૂરતા પ્રમાણમાં લાભ લેવો અશક્ય હતો. 2010માં અદાણી ગ્રૂપે ઇન્ડોનેશિયાના દક્ષિણી સુમાત્રાથી કોલસાના પરિવહન માટે દોઢ અબજ ડૉલરના મૂડીરોકાણની જાહેરાત કરી હતી. એ માટે દક્ષિણી સુમાત્રામાં બનનારી રેલ પરિયોજના માટે ત્યાંની પ્રાંતીય સરકાર સાથે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એ સમયે ઇન્ડોનેશિયા નિવેશ બોર્ડે એની માહિતી આપતાં કહેલું કે, અદાણી જૂથ પાંચ કરોડ ટનની ક્ષમતા ધરાવતા એક કોલ હૅન્ડલિંગ પૉર્ટનું નિર્માણ કરશે અને દક્ષિણી સુમાત્રા દ્વિપની કોલસાની ખાણોમાંથી કોલસો બહાર કાઢવા માટે 250 કિલોમીટરની રેલવે લાઇન પાથરશે.
અદાણી સામ્રાજ્યનો કારોબાર 2002માં 76.5 કરોડ ડૉલર હતો, જે વધીને 2014માં 10 અબજ ડૉલરનો થઈ ગયો હતો. ઈ.સ. 2015 પછી અદાણી જૂથે સૈન્યને સુરક્ષા સંબંધી સામગ્રીનો પુરવઠો પૂરો પાડવાનું કામ પણ શરૂ કર્યું. થોડા સમય પછી પ્રાકૃતિક ગૅસના ક્ષેત્રમાં બિઝનેસ આગળ ધપાવ્યો. 2017માં સોલાર પીવી પૅનલ બનાવવાનું શરૂ કર્યું. 2019માં અદાણી જૂથે ઍરપૉર્ટના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદ, લખનઉ, મંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ્ એ છ ઍરપૉર્ટના આધુનિકીકરણ અને સંચાલનની જવાબદારી અદાણી જૂથ પાસે છે. અદાણી જૂથ 50 વર્ષ સુધી આ છ ઍરપૉર્ટનું સંચાલન, વહીવટ અને વિકાસનું કામ સંભાળશે. ગૌતમ અદાણીના નેતૃત્વવાળા અદાણી ગ્રૂપની મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડમાં 74 ટકા ભાગીદારી છે. મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ દિલ્હી પછી દેશનું સૌથી મોટું એરપૉર્ટ છે.
વેતાળ, તને જાણીને નવાઈ લાગશે કે ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે અને 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તાજ હોટેલ ઉપર થયેલાં હુમલામાં તેઓનો આબાદ બચાવ થયો હતો. આજે સૌથી ધનિક વ્યક્તિઓની રેસમાં રિલાયન્સના મુકેશ અંબાણીને ટક્કર આપનારા 95 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સેવાકીય પ્રવૃત્તિઓ પણ એટલી જ છે. ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની જન્મશતાબ્દી વર્ષ, ગૌતમ અદાણીના 60મા જન્મદિવસે અદાણી પરિવાર સામાજિક કાર્યો જેવાં કે સ્વાસ્થ્ય, શિક્ષા અને કૌશલ વિકાસ માટે 60 હજાર કરોડ રૂપિયાનું દાન કરશે. અદાણી ફાઉન્ડેશન દ્વારા આ દાનનું મેનેજમેન્ટ કરવામાં આવશે…”
“દેશની રાજધાની દિલ્હીમાં ગૌતમ અદાણી સૌથી મોંઘી સંપત્તિમાંની એક સંપત્તિના માલિક છે. તેઓએ 400 કરોડ રૂપિયામાં દિલ્હીના મંડી હાઉસ પાસે આદિત્ય એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ નામની સંપત્તિ ખરીદી હતી, જે આજે અદાણી હાઉસના નામે ઓળખાય છે. એક પાક્કો ગુજરાતી ભાવતાલમાં હંમેશા આગળ જ રહે છે, તેમ વર્ષ 2018માં ગૌતમ અદાણીની જબરદસ્ત નેગોશિયેશન સ્કીલને કારણે માત્ર 100 કલાકની અંદર જ Udupi Power Corporation Limited ડીલ અદાણી પાવરે 6000 કરોડ રૂપિયામાં પાર પાડી હતી…”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Desclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.