વેતાળની દીકરીએ આઠમી ડિસેમ્બરે ૨૮મો જન્મ દિવસ મનાવ્યો. એની ઉંમર વધવાની સાથે સાથે વેતાળનું ટેન્શન વધતું હતું. એને યોગ્ય મુરતિયો મળતો નહોતો. કોઈની હાઈટ ઓછી પડે તો કોઈનું વજન વધારે હોય. કોઈની પ્રોપર્ટી સામાન્ય હોય તો કોઈનો પગાર ઓછો પડે, થોડું ઘણું જતું કરવા તૈયાર થાય ત્યારે કુંડળી મેચ ન થાય… વેતાળ ચિંતિત હતો. એ એક મુરતિયો જોવા નીકળ્યો ત્યારે રસ્તામાં રાજા વિક્રમ સાથે થઈ ગયા. એમણે જાણી લીધું કે વેતાળ દીકરીની લગ્નની ચિંતામાં છે.
“ડિયર વેતાળ, આજકાલ છોકરા છોકરીઓ બન્નેના લગ્ન બાબતે નખરાં વધી ગયા છે. આજના સમયમાં એજ્યુકેટેડ વેવિશાળ યોગ્ય દિકરા દિકરીના સબંધ બાબતે વરવી વાસ્તવિકતા જાણવા જેવી છે. 27-30-32 વર્ષનાં યુવાન દિકરા- દિકરીઓ માતા-પિતાની અને પોતાની ભારે મહત્વકાંક્ષાને કારણે આજે કુંવારા બેઠા છે. જો હજુ પણ વાલીઓ જાગ્રુત નહીં થાય તો પરીસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે. આજે આપણો સમાજ બાળકોના લગ્નને લઈને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એક-બીજાને સંબંધ ચિંધી વેવિશાળ કરાવવામાં રસ જ નથી.
આજે સભ્ય સમાજમાં ઘણી અપરિણીત છોકરીઓ 27-30-32 વર્ષની ઉંમર થઈ હોય છતાં કુંવારી છે, કારણ કે તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણાં ઊંચા છે, આવા ઘણા ઉદાહરણો છે આવી વિચારસરણીને કારણે સમાજની છબી ખરાબ થઈ રહી છે. સુખી દામ્પત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે. પૈસા પણ જરૂરી છે, પરંતુ પૈસાના કારણે સારા સંબંધોને નકારવા અમુક હદ સુધી ખોટું છે. પ્રથમ પ્રાથમિકતા સુખી સંસાર અને સારો પરિવાર હોવો જોઈએ. વધુ પૈસાની લાલસામાં સારા સંબંધોને નજરઅંદાજ કરવું ખોટું છે. એજ્યુકેટેડ હોનહાર મહેનતુ દિકરો હશે અને જો દિકરીનો સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે પણ ખ્વાઈશ (ઊંચી અપેક્ષાઓ) ખરીદી શકાતી નથી. મને લાગે છે કે કુટુંબ અને છોકરો સારા હોવા જોઈએ, પરંતુ વધુ સારાના ચક્કરમાં સારા સંબંધોને હાથથી જવા ન દેવાય. સુખી દામ્પત્ય જીવન જીવવાનો મૂળ ઉદ્દેશ હોવો જોઈએ. 30 વર્ષની ઉંમર પછી લગ્ન નથી થતા તો પછી આપણે ઇચ્છાઓમાં બાંધછોડ કરીએ છીએ તો થોડી ઘણી બાંધછોડ વેવિશાળની લાયક ઉંમરે કેમ નહીં?
અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ કંડીશનથી જોવામાં આવે તો લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે સમય અને ઉંમર એ એનું કામ કરે જ છે. આજના સમયે સમાજમાં સારું પાત્ર શોધવામાં ચાર-પાંચ વર્ષ નીકળી જાય છે, ઉચ્ચ શિક્ષણ કે નોકરીના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનુ કાઢીને ઉંમર વધવા દે છે. ક્યારેક તો મનગમતા પાત્ર શોધી રાખ્યા હોય છે પણ એ સેટલ થાય ત્યાં સુધી પણ ટાઈમ ખેંચવામાં આવે છે…
પોતાનું ઘર છે કે નહીં? જો હોય તો ફર્નિચર કેવું છે? ઘરમાં કેટલા રૂમ છે? તે મોટું છે કે નાનું છે? ક્યા એરિયામાં છે? લોન ચાલુ છે કે નહીં? જીવનશૈલી, ખાણી-પીણી કેવી છે? માતા-પીતા સાથે રહે છે કે કેમ? કેટલા ભાઈ-બહેન છે? તે પરણેલા છે કે કેમ? માતા-પિતાનો સ્વભાવ કેવો છે? આધુનિક વિચારસરણીના ઘરના સગા-સંબંધીઓ છે કે નહીં? છોકરાની ઊંચાઈ કેટલી છે? દેખાવ કેવો છે? શિક્ષણ, કમાણી, બેંક બેલેન્સ કેટલું છે? છોકરો છોકરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે કે નહીં? તેના કેટલા મિત્રો છે? ધર્મ ક્યો પાળે છે? ડુંગળી લસણ ખાય છે કે કેમ? વ્યસન છે કે કેમ? આ બધી પૂછપરછ પૂર્ણ થયા પછી પણ કેટલાક પ્રશ્નો પૂછવામાં અને સોશિયલ મીડિયા થકી વાત કરવામાં વધુ સમય પસાર કરે છે. આવી પરિસ્થિતિમાં ક્યારે 30 વર્ષની ઉંમરે પહોંચાઈ જવાય છે તે ખબર રહેતી નથી અને પછી જ મા-બાપ સફાળા જાગે છે! ક્યાંક આવી બધી વિડંબણા સમાજમાં પેસી ગઈ છે જે બાળકોનાં સપનાને ચકનાચૂર કરી નાખે છે.
એક સમય હતો જ્યારે પરિવારને જોઈને લગ્ન કરવામાં આવતા હતા. વૃદ્ધાવસ્થા સુધી લગ્નજીવન કશા પણ સમાધાન વગર પરસ્પર સન્માન ભાવ અને સમજૂતીથી દાયકોઓ સુધી નભતું હતું. સુખ-દુઃખમાં પરસ્પર સાથ નીભાવતા. સંબંધોમાં લાગણી હતી ઉષ્મા હતી. જ્યાં પરિવાર જોઈને દિકરા દિકરીના સંબંધ થતાં ત્યાં ત્રણ-ત્રણ પેઢીઓ સંયુક્ત ફેમીલીમાં જીવી જતા. ઘર- પરિવાર અને આંગણામાં ખુશીઓ હતી. ક્યારેક કોઈ નાની ચણભણ શરૂ થતી તો વડીલો એકબીજાનું ધ્યાન રાખતા અને ઘરની વાત ઘરમાં રહેતી, લગ્નજીવનની શરૂઆત થયા પછી જવલ્લે જ છૂટાછેડા જેવો માર્ગ અપનાવતા. લગ્નજીવન ખાટા-મીઠા અનુભવોમાંથી પસાર થતું અને બંને એકબીજાની ઘડપણની લાકડી બની જતા. સાથે રહીને પુત્ર-પૌત્રોમાં સંસ્કારના બીજ વાવતા. હવે એ વિધિ એ સમય ક્યાં છે? આંખની શરમ ઇતિહાસ બની ગઈ છે.
આજે એવું પણ સંભળાય છે કે છોકરો અને છોકરી તેમના સમાજના ન હોય તો પણ ચાલશે, આવી વાતો પણ સામે આવી રહી છે. આજે સમાજની છોકરીઓ અને છોકરાઓ ખુલ્લેઆમ અન્ય જ્ઞાતિ તરફ જઈને પ્રેમલગ્ન કે એરેન્જ મેરેજ કરે છે. એમને એમ છે કે સમાજમાં સારા છોકરા કે છોકરીઓ મારા લાયક નથી. કારણ કે છોકરા-છોકરીઓએ આધુનિકતાની ઊંચાઈઓ અને અપેક્ષાઓ પાર કરી છે. સોશિયલ મીડિયાના જમાનામાં છોકરા અને છોકરીઓની અપેક્ષા બદલાઈ ગઈ છે. પરિવારના સભ્યો કે માબાપ એમનું ભલું વિચારીને યોગ્ય પાત્ર સાથે પરણાવશે એ એમના ધ્યાનમાં નથી આવતું.
મારું તો એવું મંતવ્ય છે કે મિલક્ત, હોદ્દો, રૂપરંગ ઉચાઈ બધું જોવાની જગ્યાએ શિક્ષણ પારીવારીક પોઝીશન અને બંન્ને પાત્રોની વિચાર સરણી મળતી આવતી હોય તેમ જ પરીવાર શાંતિથી રહી શકે તેવી આવક હોય તો બાકીનું બધું ગૌણ રાખીને થોડીઘણી બાંધ છોડ કરીને યોગ્ય સમયે બાળકોને લગ્નજીવનમાં પરોવી દેવાનો સમય આવી ગયો છે… ઉંમર વધવાની સાથે સમાજમાંથી યોગ્ય પાત્રની કમી થવા લાગે છે અને પછી મને કમને સમાધાન કરી પરણી જવું પડે છે એના કરતાં તો યોગ્ય ઉંમરે થોડું ઘણું જતું કરીને પણ ગોઠવાઈ જવું ક્યારેય પણ યોગ્ય કહેવાય…”
“જી મહારાજ, વાત તમારી એકદમ યોગ્ય છે પણ આ જનરેશનને સમજાવવી અઘરી છે. હું ફરી એકવાર પ્રયત્ન કરી જોઉં જો કદાચ માની જાય તો એકબે મુરતિયા પસંદ તો આવેલા જ છે…” વેતાળે પોતાના મોબાઈલમાં એ મુરતિયાનો બાયોડેટા અને ફોટોગ્રાફ રાજાને બતાવ્યા, એ જોઈને રાજા વિક્રમ મલકાઈ ઊઠ્યા.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.