છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડી પડી રહી હતી. ઠંડીને કારણે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. જેને લીધે હૃદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થયા છે. કાતિલ ઠંડીને કારણે રાજ્યમાં હૃદયરોગના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. માત્ર છ દિવસમાં 1000થી વધુ હ્રદયરોગના કેસ નોંધાયા છે. આવું વાંચીને વેતાળ ધબકારો ચૂકી ગયો. એટલામાં ત્યાં રાજા વિક્રમ આવી ગયા અને ઠંડીમાં ઝાડ પર લટકી રહેલા વેતાળને ખખડાવ્યો…
“ડિયર વેતાળ, ફૂલ ગુલાબી ઠંડી એ સામાન્ય રીતે આપણા મનમાં ઠંડીની આ મુજબની જ વ્યાખ્યા છે. જોકે, ઘણી વાર શિયાળાની ઋતુમાં ઠંડી ઘણા લોકો માટે ‘અસહ્ય’ બની હોય તેવું પણ તે સાંભળ્યું હશે. પરંતુ આ ‘ફૂલ ગુલાબી ઠંડી’ની મોજ માણવા આતુર લોકોને ઘણી વાર પોતાના સ્વાસ્થ્યને ‘ગંભીર નુકસાન’ પણ પહોંચાડી શકે છે.
હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. મૃત્યુના બધા કારણોમાંથી ચોથા ભાગના કિસ્સાઓમાં હૃદયના રોગો જવાબદાર છે. હૃદયરોગનું મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે. આ સંકડાશ ચરબી યુક્ત પદાર્થના હૃદયની ધમનીમાં જમા થવાની પ્રક્રિયાથી થાય છે. દર્દીમાં જોવા મળતાં લક્ષણો મુજબ હૃદયરોગને સ્ટેબલ એન્જાયના અને અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમમાં વિભાજીત કરવામાં આવે છે.
હૃદયરોગોનો હુમલો એ એક એવા પ્રકારનો અનસ્ટેબલ એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે.
ખાસ કરીને બાળકો અને મોટી ઉંમરના લોકોને ઠંડીની ઋતુમાં ખાસ કાળજી લેવાની સલાહ અપાઈ રહી છે. હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટરોની વાત માનીએ તો ખાસ કરીને મોટી ઉંમરના લોકો જેઓ ‘હૃદયની સમસ્યા’ સામે ઝઝૂમી રહ્યા છે, તેમણે આ સિઝનમાં ખાસ કાળજી લેવાની જરૂરિયાત છે. નિષ્ણાત ડૉક્ટરો ચેતવે છે કે ઠંડીમાં કાળજી ન લેવામાં આવે તો હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા વધી જાય છે.
શિયાળાની ઋતુમાં વૃદ્ધ લોકો, હૃદયરોગની સમસ્યાથી અગાઉથી પીડાતા લોકોએ ખાસ કાળજી લેવી જોઈએ. કારણ કે ઠંડીની ઋતુમાં હૃદયરોગના હુમલાની શક્યતા વધી જવાની પૂરેપૂરી સંભાવના છે, આ એક જાણીતી હકીકત છે. જે લોકો હૃદયરોગની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને જેમના હૃદયની નળીઓમાં થોડું-ઘણું બ્લોકેજ હોય તેમના માટે શિયાળામાં આ પરિસ્થિતિ વધુ વિકટ બને છે. આ સિઝનમાં અચાનક દુખાવો ઉપડવાના અને ઘણી વાર હાર્ટ ઍટેક આવવાના બનાવ પણ વધી જાય છે. ઠંડીની સિઝન દરમિયાન હાર્ટ ઍટેકનો દુખાવો અને એન્જાઇનાનો દુખાવો થવાની સંભાવના રહેલી છે.
ઠંડીની ઋતુમાં હૃદયની નળીમાં આવેલ સ્નાયુઓ સંકોચાઈ શકે છે. તેના કારણે તેના પરિઘમાં ઘટાડો થઈ શકે છે, દુખાવો અને ઘણી વાર હાર્ટ ઍટેકનું કારણ પણ બની શકે છે. શિયાળામાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધે છે. મોટી ઉંમરના લોકોમાં હાર્ટ ઍટેકનો ખતરો વધુ હોય છે, પરંતુ આજકાલ આ ખતરો યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. ઠંડી બ્લડ પ્રેશરમાં વધારાનું કારણ બની શકે છે, તેમજ આ દરમિયાન રક્ત ગંઠાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. ઘરની અંદર પુરાયેલા રહીને સાવ સક્રિય ન રહેતી વ્યક્તિઓ જેઓ જંક ફૂડ અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેતા રહે છે, તેવી વ્યક્તિઓને ઠંડીમાં હૃદયરોગનો હુમલો થઈ શકે છે. આ સિવાય સ્ટ્રેસ, ફ્લૂ પણ આ દરમિયાન હૃદયરોગનું કારણ બની શકે છે.
જે યુવાનો નિયમિત તમાકુ કે અન્ય કોઈ વ્યસનમાં જોડાયેલા રહે છે તેમને પણ ઠંડીમાં પોતાના હૃદયની ખાસ કાળજી રાખવી જોઈએ, એ દરમિયાન હૃદયરોગનો હુમલો થવાની શક્યતા આ જૂથમાં પણ વધી શકે છે. ઠંડીની ઋતુમાં હૃદય સંબંધિત (કાર્ડિયોવેસ્ક્યુલર) રોગનો ટ્રેન્ડ જોવા મળે છે જેમાં ઘણા દેશોમાં શિયાળાની ઠંડીમાં સૌથી વધારે ટ્રેન્ડ જોવા મળે છે. આ શિયાળામાં થતાં મૃત્યુમાં એક કારણ હોઈ શકે છે. શિયાળામાં હૃદયરોગનો હુમલો થવાનું જોખમ વધી જાય છે. કેટલાક ઉપચારોના પ્રયોગથી હૃદયરોગમાં તરત આરામ મેળવી શકાય છે.
જો તમને છાતીની ડાબી તરફના ભાગમાં દુખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને ખૂબ જ પરસેવો વળતો હોય તો લસણને દૂધમાં ઉકાળીને પીવું. થોડા દિવસ આ રીતે લસણવાળા દૂધનો પ્રયોગ કરવાથી ઉપરોક્ત બધી જ તકલીફો દૂર થાય છે. હૃદયરોગ અને રક્તચાપની બીમારીમાં સવાર-સાંજ દૂધીનો સૂપ એક મહિના સુધી દરરોજ પીવો. જો હાર્ટએટેક આવે તો બે ચમચી ગાયના શુધ્ધ ઘીમાં બે ગ્રામ બિલીનો રસ ભેળવીને પીવો. ૧૦૦ મિ.લી. આદુના રસમાં થોડું મધ મેળવીને ચાટી જવાથી હૃદયના દરદમાં ઘણો આરામ મળે છે. ૧૦ મિ.લિ. દાડમના રસમાં ૧૦ ગ્રામ ખડી સાકરનો ભૂકો મેળવીને દરરોજ સવારે પીવાથી હૃદયરોગનો હુમલો મહદઅંશે ટાળી શકાય છે.
આલ્કોહોલ, વધુ પડતા ઘી-તેલ-મસાલાવાળા ખાદ્યપદાર્થોનું સેવન ન કરવું. હૃદયરોગ ધરાવતા લોકોએ શિયાળામાં વહેલી સવારે ચાલવા માટે ઘરની બહાર નીકળવું નહીં. ઠંડીની મોસમમાં માનસિક તાણ અને ડિપ્રેશન વધી જાય છે તેથી હૃદયરોગીઓએ માનસિક તાણથી બચવાની કોશિશ કરવી જોઈએ. દરરોજ સવારે ઓછામાં ઓછું અડધો કલાક તડકામાં જરૂર બેસવું. ઠંડીથી બચવા ઉપાયો કરવા આવશ્યક, હિટર રાખો, મોજાં પહેરો, હળવી કસરત કરો. અત્યારે કાશ્મિર ગયા વગર ત્યાંના હવામાનનો અનુભવ થશે. કોલ્ડવેવ આમ તો નાના મોટાં બધાના હાંજા ગગડાવશે પરંતુ જેમને ઠંડીની અસર વિશેષ થવાની સંભાવના હોય તેમણે વધારે ચેતવું પડે.
ઠંડી ભલે માણવાની- ખાવાપીવાની સીઝન હોય પરંતુ જો થોડી બેદરકારી રહે તો મુશ્કેલી પણ પડી શકે. દમના દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું પડે – હાર્ટના પેશન્ટો માટે પણ વધારે ઠંડી જોખમી છે – સૂકી હવા શ્વાસમાં જાય તો તેમના શ્વાસ રૂંધાઇ શકે – બાળકોને તરત શરદીનો ચેપ લાગી શકે – હાર્ટના પેશન્ટને વધારે મુશ્કેલી પડી શકે, લોહીનું વહન કરતી નળીઓ સંકોચાવાથી?હ્રદય પર દબાણ આવે તેથી હાર્ટ એટેક આવી શકે. ઠંડીની ઋતુમાં આખું શરીર ઢંકાય તેમ જ રાખવું – હિટર કે સગડીથી તાપ લેવો, મોજાં પહેરવાં – ઠંડું પાણી, પીણા, આઇસક્રીમ ન જ લેવા – બ્લડપ્રેશર મપાવતાં રહેવું – સવારે શક્ય હોય તો હળવી કસરત કરવી – વોકિંગ કરવું પરંતુ ઠંડીમાં નહીં, અથવા તમામ ગરમ કપડાં સાથે જ નીકળવું – ગરમ પાણીના કોગળા કરવા…” મહારાજ વિક્રમની વાતો સાંભળી વેતાળે તરત જ તાપણી સળગાવી પોતાના હાથ શેકવા લાગ્યો એ જોઈને રાજા વિક્રમે પણ તાપણી તરફ હાથ લંબાવ્યો.
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.