ભારતમાં અત્યારે અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ધાર્મિક લોકો વિવિધ ધાર્મિક સ્થળોએ જઈ દર્શન કરી પ્રભુને ખાસ પ્રાર્થના કરી આશીર્વાદ મેળવે છે. પરંતુ આ અધિકમાસ કેમ આવે છે? અને હિંદુઓમાં એનું કેમ મહત્ત્વ છે? એવો પ્રશ્ન ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરતી વખતે વેતાળને થયો. એણે દિલથી રાજા વિક્રમને યાદ કર્યા અને મહારાજ ત્યાં હાજર થઈ ગયા…
“ડિયર વેતાળ, ભારતીય પંચાગ અને હિંદુઓની ધાર્મિક માન્યતા પ્રમાણે, તા. 18મી જુલાઈથી અધિકમાસની શરૂઆત થઈ છે, જે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. અગાઉ ‘મલમાસ’ તરીકે ઓળખાતા આ વધારાના મહિનાને નવું નામ મળવા સાથે એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે, જે તેને વિષ્ણુ અને કૃષ્ણ સાથે જોડે છે. આ માસ દરમિયાન હિંદુઓ દ્વારા શુભ કે માંગલિક કાર્યો ટાળવામાં આવે છે, પરંતુ દાન અને સદાચારપૂર્ણ આચરણનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
ભારતમાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ અધિકમાસનું મહત્ત્વ ભારતીય ખગોળશાસ્ત્રમાં પણ વિશેષ છે. ભારતીય પંચાંગ પ્રમાણે, સરેરાશ ત્રણ વર્ષે આવતાં પુરુષોત્તમ માસ સાથે ખગોળીય ઘટનાક્રમ જોડાયેલો છે. જેવી રીતે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, એથી વિપરીત ક્ષયમાસ પણ હોય છે. તે કેટલા વર્ષે આવે અને આમ કરવા પાછળ શું ગણતરી રહેલી હોય છે? પુરુષોત્તમ માસ અને શ્રાવણ મહિનાનું હિંદુઓમાં મહત્ત્વ રહેલું છે. આ ગાળા દરમિયાન હિંદુઓ શરાબ, માંસ, ઈંડા અને માછલી જેવો ખોરાક નથી લેતા અને દાન-ધર્મને મહત્ત્વ આપે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને દેશમાં ભારતીય સંગીત, ભારતીય નૃત્ય, ભારતીય તત્ત્વચિંતન, જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે અભ્યાસક્રમો દાખલ કરવા યુનિવર્સિટીઓની જેમ ઉચ્ચઅભ્યાસ સંસ્થાનોને જણાવ્યું છે. એક વર્ગ દ્વારા જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે. છતાં જન સામાન્યમાં આ મુદ્દે શ્રદ્ધા પ્રવર્તે છે. એટલે સુધી કે કેટલાક રાજનેતા મહત્ત્વપૂર્ણ પદભાર સંભાળતા પહેલાં કે કાર્યનો આરંભ કરતાં પહેલાં જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુઓ પાસેથી માર્ગદર્શન લે છે.
ચાલુ વર્ષે તારીખ 18મી જુલાઈથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે, જે 16મી ઑગસ્ટ સુધી ચાલશે. આ ગાળા દરમિયાન મુંડન, જનોઈ, સગાઈ, લગ્ન, રાજ્યાભિષેક, નવું પદગ્રહણ, નવા ઘરમાં પ્રવેશ, ખાતમુહૂર્ત, નવા વાહન કે પ્રૉપર્ટીની ખરીદી જેવાં કાર્યો ટાળવામાં આવે છે. આ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને પૂજાનું મહત્ત્વ રહેલું છે. આ સિવાય પવિત્ર નદીઓમાં સ્નાન, ગાયને નીરણ, દીપદાન અને તાંબુલદાન કરવાનું મહાત્મ્ય રહેલું છે.
શ્રીમદ ભાગવત પુરાણ અને પદ્મપુરાણ જેવા ધર્મગ્રંથોમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે દરેક માસ સાથે અધિષ્ઠાતા દેવ જોડાયેલાં છે, પરંતુ અધિકમાસ સાથે કોઈ અધિષ્ઠાતા દેવ જોડાયેલા ન હતા. આના કારણે તે જનમાનસમાં ‘અપવિત્ર’ કે ‘મલમાસ’ તરીકે ઓળખાવા લાગ્યો. જ્યારે તેની શરૂઆત થતી, ત્યારે તેની અપાર નિંદા થતી અને લોકોએ આ માસમાં શુભપ્રસંગ યોજવાનું વર્જિત કર્યું. આથી, વ્યથિત થઈને મલમાસે અલગ-અલગ દેવો પાસે જઈને પોતાના અધિષ્ઠાતા બનવા વિનંતી કરી, પરંતુ કોઈએ તેનો સ્વીકાર ન કર્યો.
દેવ-માનવથી ત્યજાયેલા મલમાસે વૈકુંઠમાં વિષ્ણુ પાસે જઈને પોતાને શરણમાં લેવા માટે પ્રાર્થના કરી. શ્રીહરિ તેના ઉપર પ્રસન્ન થયા અને ગોલોકમાં શ્રીકૃષ્ણની શરણે જવા કહ્યું.
હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, રામ ભગવાન વિષ્ણુનું સાતમું સ્વરૂપ છે, જે ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે ઓળખાય છે શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુનું આઠમું અને ‘પૂર્ણ પુરુષોત્તમ’ સ્વરૂપ છે. ગોલોકમાં શ્રીકૃષ્ણે મલમાસના અધિષ્ઠાતા દેવ બનવા વિનંતી કરી. જેનો કૃષ્ણે સ્વીકાર કર્યો અને તેને પોતાની સાથે જોડ્યો હોવાથી ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાવા લાગ્યો. કૃષ્ણે પોતાના સદ્ગુણો તેને સમર્પિત કર્યા, જેના કારણે તેનું મહત્ત્વ અને માસ કરતાં વધી જવા પામ્યું. દેવ-માનવ ભગવાન પુરુષોત્તમની કૃપા પામવા માટે આ માસ દરમિયાન વ્રત-પૂજા અને ભક્તિ કરે છે, જેથી તે ‘ભક્તિમાસ’, ‘સર્વોત્તમમાસ’ કે ‘પવિત્રમાસ’ તરીકે પણ ઓળખાય છે.
સામાન્ય રીતે એક સૂર્ય વર્ષ કરતાં ચંદ્રવર્ષ લગભગ 10 દિવસ જેટલું ટૂંકું હોય છે. સૂર્ય દર મહિને એક વખત રાશિ બદલે, જેને ‘સૂર્યસંક્રાંતિ’ કહેવાય. જેમ કે, સૂર્ય મકરમાં પ્રવેશ કરે, ત્યારે તેને ‘મકરસંક્રાંતિ’ કહેવામા આવે છે. આવી રીતે 12 મહિના દરમિયાન 12 સંક્રાંતિ થાય. જે માસમાં સૂર્યસંક્રાતિ ન થાય, તે મહિનો ‘અધિકમહિનો’ ગણાય. સરેરાશ ત્રણેક વર્ષે એક વખત અધિકમાસ કે પરષોત્તમ માસ આવે. જેનો હેતુ સૂર્ય તથા ચંદ્રવર્ષની વચ્ચે સામંજસ્ય બેસાડવાનો છે.
આ સિવાય ઋતુઓની સાથે અને તહેવારોનો તાલમેલ બેસાડવામાં પણ અધિકમાસની ભૂમિકા છે. જેમ કે શ્રાવણ મહિનામાં વરસાદ હોય અને ત્યરે જન્માષ્ટમી ઉજવવામાં આવે. જો અધિકમહિનો ઉમેરવામાં ન આવે, તો અમુક વર્ષો પછી ચૈત્ર મહિનામાં ધમધોખતા તાપમાં જન્માષ્ટમીનો તહેવાર આવે, એવું પણ બને. આમ ઋતુ અને તહેવારની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત કરવાની દૃષ્ટિએ પણ અધિકમાસનું મહત્ત્વ રહેલું છે.
પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ (ત્રીસ ઘડીના કાળનો એક એકમ) એમ પાંચ અંગ જણાવવામાં આવ્યા છે. આખો દિવસ, ઘડી, પળ અને વિપળ જેવા સમયના પ્રાચીન એકમ છે. ભારતીય પંચાંગો અને ધર્મશાસ્ત્રોમાં, સૌર, ચંદ્ર, સાયન અને નક્ષત્ર એમ ચાર પ્રકારના કાલમાનનું મિશ્ર સ્વરૂપ સ્વીકારાયેલું છે. સાયન વર્ષમાં એક ઋતુથી શરૂ કરીને ફરી એ ઋતુ આવે તેને વર્ષ ગણવામાં આવે છે અને તેમાં સૂર્યનો રાશિ પ્રવેશકાલ 22 દિવસ મોડો ગણાય છે.
રાશીઓની સંક્રાંતિ મુજબ, સૂર્ય જ્યારે બાર રાશી પૂર્ણ કરે એટલે તે ‘સૌરવર્ષ’ પૂર્ણ કરે છે, પરંતુ વ્યવવહારમાં ચંદ્રમાસ પ્રચલિત છે, જે સુદ એકમથી વદ અમાસ સુધીનું હોય છે. ચંદ્રમાસમાં 29 દિવસ 31 ઘડી અને 50 પળ હોય છે. જ્યારે સૌરમાસ 30 દિવસ 26 ઘડી, 19 પળ અને 31 વિપળની હોય છે. આમ દર મહિને 54 ઘડી, 29 પળ અને 31 વિપળનો તફાવત પડે છે. આમ લગભગ સાડા બત્રીસ સૌરમાસે, સાડા તેંત્રીસ ચંદ્રમાસ થાય છે. એટલે સરેરાશ પાંચ વર્ષમાં બે અધિકમાસ આવે. ભારતમાં સત્તાવાર રીતે અને વ્યવહારમાં અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ થાય છે, એટલે પંચાંગ અને તેમની વચ્ચે સરખામણી થવી પણ સ્વાભાવિક છે.
અંગ્રેજી કેલેન્ડર સૂર્યોદયથી સૂર્યાસ્ત પર ચાલે છે. રાત્રે બાર વાગ્યે એટલે દિવસ બદલાઈ જાય. જ્યારે હિંદુ કેલેન્ડર ચંદ્રની કળા ઉપર ચાલે છે. ચંદ્ર અને સૂર્યના સમયની વચ્ચે દૈનિક 54 મિનિટ જેટલો તફાવત હોય છે. જેને તિથિના ક્ષય દ્વારા ઍડજસ્ટ કરવામાં આવે છે. મતલબ કે એક અંગ્રેજી તારીખમાં બે તિથિ હોય. આવી જ રીતે અંગ્રેજી કેલેન્ડર મુજબ 365 દિવસ અને એક ચતુર્થાંશ દિવસ વધુ થાય છે. જેને દર ચાર વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરવામાં આવે છે. જેને લીપ યર કહેવામાં આવે છે.
એક ચંદ્રમાસમાં સૂર્ય રાશિ બદલે તો તે ‘શુદ્ધમાસ’, જો રાશિ ન બદલે તો ‘અધિકમાસ’ અને જો બે વખત રાશિ બદલે તો તેને ‘ક્ષયમાસ’ કહેવામાં આવે છે. ચંદ્રમાસની સુદ એકમના દિવસે સૂર્યની સંક્રાંતિ બેસે અને અમાવસ્યાના દિવસે સૂર્યની બીજી સંક્રાંતિ બેસે તો તેને ક્ષયમાસ ગણવામાં આવે છે. આમ તે 11 માસનું વર્ષ બને છે. કારતક, માગશર કે પોષ મહિનામાં જ ક્ષયમાસ આવે એવી પરંપરા છે. બે મહિનાને ‘માસ યુગ્મ’ તરીકે લખવામાં આવે છે. જેમ કે, ‘કારતક-માગશરનું યુગ્મ’, ‘માગશર-પોષનું યુગ્મ’ વગેરે. બે અધિકમાસ વચ્ચે ઓછામાં ઓછું 27 માસ અને વધુમાં વધુ 35 મહિનાનું અંતર હોય છે. રાશિ પરિભ્રમણના આધારે તે 19થી 255 વર્ષના અનિયમિત ગાળે આવે છે.”
“હે મહારાજ વિક્રમ, હવે ખબર પડી કે પુરૂષોત્તમ માસ એટલે કે અધિક માસનું આટલું મહત્ત્વ કેમ છે.”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.