કાશીનો દીકરો ફિલ્મ આવી ત્યારે ગુજરાતી ફિલ્મમાં એક નવો અધ્યાય લખાયો હતો. વિનોદીની નિલકંઠ દ્વારા લખાયેલી દોઢ પાનાની વાર્તા પરથી આખી ફિલ્મ બની હતી. વેતાળને આખી ફિલ્મ નજર સામે ફરી રહી હતી. એણે રાજા વિક્રમને ફોન કર્યા અને કહ્યું કે તેઓ કાશીનો દીકરો ફિલ્મ વિશે વાત કરે…
“ડિયર વેતાળ, ગુજરાતી ફિલ્મ એટલે વર્ષ 1979માં રજૂ થયેલી ‘કાશીનો દીકરો’ જે એ સમયે રજૂ થયેલી હટકે ફિલ્મ હતી. ગુજરાતી ફિલ્મોમાં સંવેદનશીલ સ્ત્રી પાત્રો તો ખૂબ જોવા મળે છે, પરંતુ સશક્ત અને સંવેદનશીલ સ્ત્રી પાત્રો ધરાવતી ગુજરાતી ફિલ્મોમાં ‘કાશીનો દીકરો’ પણ સહજ રીતે સામેલ થાય છે.
આ ફિલ્મને ટિકિટબારી પર ખૂબ મોટી સફળતા નહોતી મળી પરંતુ તેને ગુજરાતી સિનેમાની દિશા બદલનારી ફિલ્મ તરીકે જરૂર જોવામાં આવી હતી. કાશી એક એવું પાત્ર હતું જે પરિવાર પ્રત્યે સમર્પિત પ્રેમાળ અને દયાળુ મહિલા છે. અને પોતાના જ પરિવારની એક મહિલાનું સમાજના ધોરણો મુજબ સન્માન જળવાઈ રહે તે માટે એક મોટો નિર્ણય કરે છે.
કાશીનાં લગ્ન પ્રતિષ્ઠિત કુટુંબમાં થયાં હતાં. સાસુ મરતી વખતે પોતાના દીકરા કેશવની જવાબદારી કાશીને સોંપે છે. કાશીને પોતાનો એક દીકરો શંભુ પણ છે. કાશી દિયર કેશવને અને પોતાના દીકરાને એકસરખા પ્રેમ અને માવજતથી ઉછેરે છે. દિયરનાં લગ્ન કાશી રમા સાથે કરાવે છે.
લગ્નની રાતે સાપ કરડતાં કેશવ મરણ પામે છે. દિયરની વિધવા રમાને કાશી પોતાની દીકરીની જેમ રાખે છે. એક વખત કાશીના પતિની રમા પર નજર બગડે છે. પુત્રવધૂ પર બળાત્કાર કરે છે. જે બાદ રમાને ગર્ભ રહે છે. પતિ, પરિવાર અને પુત્રવધૂની આબરૂ બચાવવા કાશી પોતે ગર્ભવતી છે એવું કહીને રમાને લઈને તીર્થ યાત્રાએ ઊપડે છે.
“મૂઉઁ…આ ઉંમરમાં…મને તો બહુ શરમ આવે છે, પણ ભાયડા આગળ આપણું કંઈ ચાલે?” રમાની છૂપી સુવાવડ પછી કાશી, રમા અને રમાનું બાળક લઇને ઘરે આવે છે. સૌને એવું જ લાગે છે કે આ કાશીનો દીકરો છે. અંતે કાશી મરણ પથારીએ હોય છે ત્યારે રમાને જ તેનું બાળક સોંપે છે. ફિલ્મની કહાણી જાણ્યા પછી તેના કલાકસબીઓનો પરિચય મેળવી લઈએ.
ગુજરાતી નાટ્યજગતમાં જેમનું નામ અદબથી લેવાય છે એવા કાન્તિ મડિયાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ગુજરાતી સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર વિનોદિની નીલકંઠની વાર્તા દરિયાવ દિલનાં મોતી(1958) પરથી ફિલ્મ બની હતી. ફિલ્મની પટકથા અને સંવાદ પ્રબોધ જોષીએ લખ્યા હતા. ફિલ્મમાં કાશીની ભૂમિકા અભિનેત્રી રાગિણી અને રમાની ભૂમિકા રીટા ભાદુરીએ ભજવી હતી.
આ ઉપરાંત ફિલ્મમાં રાજીવ, ગીરેશ દેસાઈ, લીલાબહેન જરીવાલા, અરવિંદ વૈદ્ય, જગદીશ શાહ, પી.ખરસાણી વગેરે કલાકારો હતાં. 58-60 વર્ષનાં કાશીનો રોલ કરનારાં રાગિણી એ સમયે 21 વર્ષનાં હતાં. રાગિણીને જ્યારે ફિલ્મ ઑફર થઈ ત્યારનો પ્રસંગ રસપ્રદ છે.
મુંબઈમાં પેડર રોડ પરના કાન્તિ મડિયાના ઘરે રાગિણી ફિલ્મની મસલત માટે ગયાં ત્યારે ત્યાં જાણીતાં વરિષ્ઠ અભિનેત્રી દીના પાઠક અને અભિનેતા રાજીવ હાજર હતાં. મડિયાએ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી. ત્યાં દીના પાઠક પણ હતાં એટલે ત્યારે રાગિણીને લાગ્યું કે કાશીનો રોલ તો દીનાબહેન જ ભજવશે અને પોતાને દેરાણી રમાનો રોલ મળશે. પરંતુ મડિયાએ કહ્યું, “રાગિણી તું કાશી બનીશ?”
તેમણે એ શબ્દો કહ્યા ત્યારે રાગિણી સહિત સૌને નવાઈ લાગી? મડિયાએ રાગિણીને કહ્યું, “મને તારી આંખો જોઈએ છે. તારો ચહેરો કાશી માટે પરફેક્ટ છે.” રાગિણીએ ઉંમરલાયક મહિલાનો રોલ કોઈ પણ મેકઅપ વગર, વાળમાં સફેદ વાઇટનર અને સુતરાઉ સાડલા પહેરીને ભજવ્યો હતો.
અમેરિકન રેડિયોને આપેલી એક મુલાકાતમાં રાગિણીએ કહ્યું હતું કે, “ભર જુવાનીમાં ઇમેજની પરવા કર્યા વગર મેં પ્રૌઢ મહિલાનો રોલ એટલા માટે કર્યો હતો કેમ કે મને ખાતરી હતી કે મડિયા છે એટલે વાંધો નહીં આવે.” કાશીનો દીકરો ફિલ્મનું શૂટિંગ વડોદરા નજીક હાલોલના લકી સ્ટુડિયોમાં થયું હતું. સ્ટુડિયોની બહારનાં એટલે કે આઉટડોર દૃશ્યો પણ હાલોલ પાસે જ ફિલ્માવાયાં હતાં. દોઢ મહિનામાં શૂટિંગ આટોપવામાં આવ્યું હતું. કળાનિર્દેશક છેલ પરેશની જોડીએ સ્ટુડિયોમાં ગામડાનો સેટ ઊભો કર્યો હતો.
સિરિયલોના કલાકાર તેમજ કેટલીક ફિલ્મોમાં નાના રોલ કરનારા જાવેદ ખાને પણ આ ફિલ્મમાં નાની ભૂમિકા ભજવી હતી, તેમજ તેઓ કાન્તિ મડિયાના સહાયક ડિરેક્ટર હતા. મજાની વાત એ છે કે અભિનેતા પરેશ રાવલે જાવેદ ખાનની ભૂમિકાનું ગુજરાતી ડબિંગ કર્યું હતું. ફિલ્મમેકર અને લેખક સંજય છેલે નાનપણથી કાન્તિ મડિયા સાથે કામ કર્યું હતું. ‘કાશીનો દીકરો’માં પણ સંજય છેલે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. સંજય છેલે મડિયા વિશે ‘મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા’ નામનું પુસ્તક તૈયાર કર્યું છે.
કાન્તિ મડિયા મૂળે નાટકના જીવ હતા. તેમણે જીવનભર નાટકો જ તૈયાર કર્યાં અને ભજવ્યાં હતાં. કાશીનો દીકરો તેમણે બનાવેલી પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ પણ અણધારી જ સર્જાઈ હતી. તેની પાછળનો પ્રસંગ રસપ્રદ છે. ‘કાન્તિ મડિયા એક નાટક લઈને લંડન ગયા હતા. જ્યાં તેઓ એનઆરઆઈ નરેશ પટેલ મળ્યા હતા. નાટક જોઈને તેઓ ઓવારી ગયા હતા. તેમણે મડિયાને નાટક પરથી ફિલ્મ બનાવવા પૈસા આપવાની ઑફર કરી.
‘કાશીનો દીકરો’ ફિલ્મનાં ગીતો એવાં નીવડેલાં છે કે આજે પણ ગુજરાતી સંગીતનાં કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ગવાતાં રહે છે. ફિલ્મમાં કુલ પાંચ ગીતો હતાં. ‘એવા રે મળેલા મનના મેળ’ (કવિ બાલમુકુંદ દવે), ‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં’ (કવિ રમેશ પારેખ), ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ (કવિ રાવજી પટેલ), ‘ઝીણા ઝીણા રે આંકે’ (કવિ અનિલ જોષી) અને ‘રોઈ રોઈ ઊમટે’ (કવિ માધવ રામાનુજ).
સામાન્ય રીતે એવું થતું હોય છે કે ગીતકારને કહીને ફિલ્મ માટે ગીત લખાવવામાં આવે છે, પરંતુ આમાં તો ચુનંદા કાવ્યોને પસંદ કરીને તેને સંગીતબદ્ધ કરવામાં આવ્યાં હતાં. એકમાત્ર ‘ઝીણા ઝીણા રે આંકે…’ ગીત અનિલ જોષી પાસે તાબડતોબ લખાવાયું હતું. એ વખતે ફિલ્મોમાં લોકગીતોનું પણ પ્રચલન હતું અને ‘કાશીનો દીકરો’ ફિલ્મનાં ગીતો એ શ્રેણીનાં નહોતાં. ‘કાશીનો દીકરો’ માટે સંગીતકાર તરીકે મડિયા હિન્દીના જાણીતા સંગીતકાર જયદેવને લેવા માગતા હતા.
મડિયા મૂંઝાયા ત્યારે નિરંજન મહેતાએ જ તેમને સંગીતકાર ક્ષેમુ દિવેટીયાનું નામ સૂચવ્યું હતું. એ વખતે સંગીતકાર ગૌરાંગ વ્યાસે એમાં તેમને સહયોગ આપ્યો. ‘સંતૂરનવાઝ’ પંડિત શિવકુમાર શર્મા, ‘વાંસળીનવાઝ’ પંડિત હરીપ્રસાદ ચૌરસીયા, ઝરીન દારૂવાલા જેવા શાસ્ત્રીય સંગીતના નીવડેલાં વાદકોએ પણ સૂરતાલ પુરાવ્યાં હતાં.
કાશીનો દીકરો અમદાવાદમાં સાતેક અઠવાડિયાં ચાલી હતી. મુંબઈના રોક્સી સિનેમાગૃહમાં પણ ફિલ્મ રજૂ થઈ હતી. ટિકિટબારી પર ફિલ્મને મોટી સફળતા મળી નહોતી. જોકે એ ફિલ્મની નિરંતર નોંધ લેવાઈ છે. જ્યારે પણ ગુજરાતી સિનેમામાં કંઈક નવું કરવાની વાત આવે ત્યારે ‘કાશીનો દીકરો’નો અચૂક ઉલ્લેખ થાય છે.
વિનોદની નિલકંઠની દોઢેક પાનાની વાર્તા ‘દરિયાવ દિલ’ વાંચતા દસથી પંદર મિનિટ લાગે. આ ટૂંકી વાર્તા પરથી 3,782 મીટર એટલે કે 16 રીલની અઢી કલાકની ફિલ્મ બનાવવામાં આવી હતી. કાશીનો દીકરો ફિલ્મને રાજ્યસ્તરના ડઝનેક સરકારી પુરસ્કાર મળ્યા હતા.
“મહારાજ, તમારી વાત સાચી છે, કાશીનો દીકરો ફિલ્મ ન ચાલી એનો મડિયાને પણ રંજ હતો. કાશીનો દીકરો ફિલ્મને સાતેક ઍવૉર્ડ મળ્યા, પણ ફિલ્મ ચાલી નહીં. પણ આ ફિલ્મ એકવાર તો અવશ્ય જોવા જેવી છે જે ગુજરાતી ફિલ્મ અલગ જ બની હતી.”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.