બિરસા મુંડા આદિવાસી સમાજના એવા નાયક હતા કે જેમનું આદિવાસીઓ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશશાસન સામે પણ બાથ ભીડી હતી. બિરસા મુંડાની જયંતી નિમિત્તે મધ્ય પ્રદેશના ભોપાલમાં મહાસંમેલન યોજાયું હતું, આ મહાસંમેલનને જનજાતીય દિવસ મહાસંમેલન નામ આપવામાં આવ્યું છે. આ જોઈને વેતાળને ખૂબ નવાઈ લાગી એણે બિરસા મુંડા માટે વધુ જાણવા રાજા વિક્રમને ફોન કર્યો…
“ડિયર વેતાળ, આદિવાસીઓના ભગવાન કહેવાતા બિરસા મુંડાએ આપેલા યોગદાનને કારણે જ તેમની તસવીરને ભારતીય સંસદના સંગ્રહાલયમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ સન્માન આદિવાસી સમુદાયમાં માત્ર બિરસા મુંડાને જ મળ્યું છે. બિરસા મુંડાનો જન્મ ઝારખંડના ખૂંટી જિલ્લામાં થયો હતો. તેમના જન્મવર્ષ અને તારીખ બાબતે વિવિધ માહિતી ઉપલબ્ધ છે. ઘણાં ઠેકાણે તેમની જન્મતારીખ 15 નવેમ્બર, 1875 હોવાનો ઉલ્લેખ છે. ભારતીય વહીવટી સેવાના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા કુમાર સુરેશસિંહે બિરસા મુંડા વિશે સંશોધન પર આધારિત એક પુસ્તક લખ્યું છે. તે પુસ્તકનું શીર્ષક છેઃ બિરસા મુંડા ઔર ઉસકા આંદોલન.
કુમાર સુરેશસિંહ આદિવાસી સમાજનું વિગતવાર અધ્યયન કર્યું હતું.
તેમણે લખેલા બિરસા મુંડા વિશેના પુસ્તકની ગણતરી પ્રમાણિક પુસ્તકોમાં થાય છે. બિરસા મુંડાનું જન્મવર્ષ 1872 હોવાનું જણાવવામાં આવ્યું છે. બિરસા મુંડાના પરિવારે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. બિરસા મુંડાના મોટા કાકા કાનુ પોલૂસ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી ચૂક્યા હતા. તેમના પિતા સુગના અને તેમના નાનાભાઈએ પણ એવું કર્યું હતું.
બિરસા મુંડાના પિતા તો ખ્રિસ્તી ધર્મના પ્રચારક સુધ્ધાં બન્યા હતા. ધર્મપરિવર્તન બાદ બિરસાનું નામ દાઉદ મુંડા અને તેમના પિતાનું નામ મસીહદાસ રાખવામાં આવ્યું હતું. બિરસા મુંડાનાં માસી જોની તેમને બહુ પ્રેમ કરતાં હતાં. જોની તેમનાં લગ્ન પછી બિરસાને તેમની સાથે તેમના સાસરી ખટંગા ગામે લઈ ગયા હતાં. ત્યાં તેમનો સંપર્ક એક ખ્રિસ્તી ધર્મપ્રચારક સાથે થયો હતો. એ પ્રચારક તેમના પ્રવચનમાં મુંડા સમુદાયની જૂની વ્યવસ્થાની ટીકા કરતા હતા. એ બિરસા મુંડાને જરાય ગમતું ન હતું. એ જ કારણસર બિરસા મુંડાએ મિશનરી સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી પોતાના આદિવાસી રીતરિવાજ ભણી પાછા ફર્યા હતા. 1894માં આદિવાસીઓની જમીન તથા વનસંબંધી અધિકારોના માગ વિશેના સરદાર આંદોલનમાં સામેલ થયા બાદ બિરસા મુંડાના જીવનમાં નોંધપાત્ર વળાંક આવ્યો હતો.
એ સમયે તેમને સમજાયું હતું કે આદિવાસી કે ખ્રિસ્તી ધર્મ એ બેમાંથી કોઈ આ આદિવાસી આંદોલનને પ્રાધાન્ય આપતું નથી. એ પછી બિરસા મુંડાએ અલગ ધાર્મિક પદ્ધતિની વ્યાખ્યા કરી હતી. એ ધાર્મિક પદ્ધતિનું અનુસરણ આજે પણ ઘણા લોકો કરે છે અને એમને ‘બિરસાઈત’ કહેવામાં આવે છે. બિરસા મુંડાએ તેમના ધર્મના પ્રચાર માટે 1895માં 12 શિષ્યોની નિમણૂક કરી હતી. જલમઈ (ચાઈબાસા)ના રહેવાસી સોમા મુંડાને પ્રમુખ શિષ્ય જાહેર કર્યા હતા અને તેમને ધર્મ-પુસ્તક સોંપ્યું હતું. આ સંદર્ભમાં વિચારીએ તો બિરસા મુંડાએ તેમના ધર્મની સ્થાપના 1894-95ની વચ્ચે કરી હશે. બિરસા મુંડાને લાખો લોકો ભગવાન માને છે, પરંતુ તેમણે સ્થાપેલા ધર્મનું અનુસરણ ખૂંટી, સિમડેગા અને ચાઈબાસા જિલ્લાના કેટલાક હજાર લોકો જ કરે છે.
રાંચીથી 45 કિલોમીટર દૂર આવેલા ખૂંટી જિલ્લાના ચારિદ ગામના 65 વર્ષીય જગાય આબા કહે છે, “બિરસાઈત ધર્મનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. અમે માંસ, મદિરા, તમાકુ કે બીડીને કોઈ પણ કિંમતે હાથ લગાવતા નથી. બજારમાં મળતી ખાવાની ચીજો ખાતા નથી. બીજાના ઘરનું ભોજન પણ ખાતા નથી. ગુરુવારે ફૂલ, પાંદડાં કે દાતણ તોડતાં નથી. એટલું જ નહીં ખેતી માટે હળ પણ ચલાવતા નથી. માત્ર ઊજળા રંગના સુતરાઉ કપડાં જ પહેરીએ છીએ. અમારા ધર્મમાં પૂજા માટે ફૂલ, પ્રસાદ, દક્ષિણા, અગરબત્તી અને ફળ જેવી ચીજોનો ઉપયોગ વર્જ્ય છે. અમે માત્ર પ્રકૃતિના પૂજા કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ અને જનોઈ પહેરીએ છીએ. પુરુષ હોય કે સ્ત્રી, અમે વાળ કપાવતા નથી.”
બહારની કોઈ વ્યક્તિ તેમના ઘરે જાય તો તેઓ તેમને ભોજન રાંધી આપતા નથી, પણ મહેમાન માટે અનાજ, લાકડાં અને ભોજન બનાવવા માટેની જગ્યાની વ્યવસ્થા કરી આપે છે. અન્ય જ્ઞાતિની છોકરીનાં લગ્ન બિરસા સમાજના છોકરા જોડે થાય તો છોકરીએ બિરસાઈતનું પાલન કરવું પડે છે, પરંતુ બિરસાઈત ધર્મનો છોકરો બીજી જ્ઞાતિ કે ધર્મની છોકરી સાથે લગ્ન કરે તો તેને સામાજિક સ્વીકૃતિ મળવી બહુ મુશ્કેલ બને છે. બિરસાઈતનું પાલન કરનારા લોકોની ઓછી સંખ્યાનું એક મોટું કારણ આ છે. 1901માં બિરસા મુંડાનું અવસાન થયું હતું અને તેમણે શરૂ કરેલા આંદોલનનો પ્રભાવ આજે દેશભરના તમામ આદિવાસીઓ પર જોવા મળે છે, પરંતુ તેમણે શરૂ કરેલા ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. વળી એ ધર્મમાં પણ અનેક પંથ છે.
આમાં પણ ત્રણ પંથના લોકો છે. એક પંથના લોકો બુધવારે પૂજા કરે છે. બીજા પંથના લોકો ગુરુવારે અને ત્રીજા પંથના લોકો રવિવારે પૂજા કરે છે. એ ત્રણેયમાં રવિવારે પૂજા કરતા લોકોની સંખ્યા સૌથી વધારે છે. આ ત્રણેય પંથના લોકો પોતાના ચડિયાતા બિરસાઈત માને છે. ગુરુવારે પૂજા કરતા લોકો તેમના ઘરની બહાર ઝંડો લગાવે છે, જ્યારે બુધવાર અને રવિવારવાળા પંથના અનુયાયીઓ તુલસીની પૂજા કરે છે. તેઓ ભૂત-પ્રેત, ભૂવા-ડાકણ વગેરેમાં જરાય માનતા નથી. વર્ષમાં બે વખત ત્રણેય પંથના લોકોનું ધાર્મિક સંમેલન સિમડેગા જિલ્લામાં યોજવામાં આવે છે. પહેલું સંમેલન 30 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી અને બીજું સંમેલન 15થી 18 મે સુધી યોજવામાં આવે છે. બિરસાઈત લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેઓ પરંપરાગત રીતે એટલે કે બળદ અને હળ વડે ખેતી કરે છે.
તેઓ પોતાનું ભરણપોષણ જંગલમાં ઉપલબ્ધ સામગ્રીથી જ કરે છે.. બિરસાઈત ધર્મનું પાલન કરતા લોકોની ઓછી સંખ્યાનું કારણ એ પણ છે કે 70ના દાયકા સુધી બહુ ઓછા લોકો અહીં બિરસાને જાણતા હતા. જે ખૂંટી જિલ્લામાં બિરસા મુંડાનું ઘર આવેલું છે ત્યાંના લોકો તો એવું કહેતા હતા કે બિરસાએ તેમના આંદોલન દરમિયાન અહીંના અનેક લોકોની હત્યા કરાવી હતી. રાંચીમાં 1981માં પહેલી વાર બિરસા મુંડા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. બિરસાઈત ધર્મમાં આસ્થા ધરાવતા લોકોના ઘરમાં જરૂરિયાતનો ઓછામાં ઓછો સામાન હોય છે. પોતાનું ભરણપોષણ કરી શકાય એટલી જ જમીન તેમની પાસે હોય છે.
બિરસાઈત ધર્મમાં શિક્ષિત લોકોનું પ્રમાણ ઓછું છે એ વાત સાચી છે, પરંતુ હવે સંતાનોને હિન્દી તથા અંગ્રેજી ઉપરાંત મુંડારી ભાષા પણ ભણાવી રહ્યા છે.નવી પેઢીનાં બાળકો સરકારી નોકરી કરવા ઇચ્છે છે. કેટલાક લોકોને એવી નોકરી મળી ચૂકી છે. આ ધર્મ અપનાવવાનો આગ્રહ કોઈને કરતા નથી. લોકો આ ધર્મ સ્વેચ્છાએ અપનાવે છે. તેથી આ ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. 2011ની વસતીગણતરી મુજબ, દેશમાં આદિવાસીઓની કુલ સંખ્યા 10,42,81,034 છે. ગૃહ મંત્રાલય પાસેથે મળેલી માહિતી અનુસાર, ઝારખંડમાં 86 લાખથી વધુ આદિવાસીઓ વસે છે. તેમાં સરના ધર્મનું પાલન કરતા લોકોની સંખ્યા 40,12,622 છે. 32,45,856 આદિવાસીઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે, જ્યારે ખ્રિસ્તી ધર્મનું પાલન કરતા આદિવાસીઓની સંખ્યા 13,38,175 છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આદિવાસી પ્રજા પ્રગતિ તો કરી રહી છે પરંતુ હજુ સંપૂર્ણ રીતે સ્વાવલંબી બની નથી.”
“મહારાજ, તમારી વાત સાચી છે. બિરસા મુંડાની જયંતી નિમિત્તે અત્યારે આદિવાસી નેતાઓ એમના સમાજને અગ્રેસર કરવા વાયદા તો કરે છે પરંતુ નિષ્ઠાપૂર્વક કામ કરતા નથી અન્યથા આદિવાસી પ્રજા સામાન્ય લોકોમાં ભળી ગઈ હોત.”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.