‘મૂત્ર એ શરીરમાંથી નીકળતો મળ નથી પણ શરીરના રોગોને દૂર કરવા માટે કુદરતે આપેલી બક્ષિસ છે.’ આ ‘શિવામ્બુ ઉપચાર પધ્ધતિ’ હિન્દુ ધર્મશાસ્ત્રો, જૈનશાસ્ત્રો, આયુર્વેદ અને ખ્રિસ્તી ધર્મના પુસ્તકો પર આધારિત છે. આવું વાંચીને વેતાળને શિવામ્બુ અપનાવવાની ઈચ્છા થઈ એટલે એણે વધુ માહિતી માટે રાજા વિક્રમને ફોન કર્યો…
“ડિયર વેતાળ, શું સવારે વહેલા ઊઠીને પોતાનું મૂત્ર પીવાથી બીમારીઓ દૂર ભાગી જાય છે? શું શરીર અને ચહેરા પર મૂત્ર લગાડવાથી ત્વચા સારી રહે છે? જ્યારે ભૂકંપ જેવી મોટી આપત્તિને કારણે કોઈ ઇમારત ધરાશાયી થાય અને તેના કાટમાળમાં લોકો ફસાયા હોય ત્યારે એવાં ઉદાહરણો આપણને જોવા મળી શકે છે જેમાં સર્વાઇવર દિવસો સુધી પાણી વગર પોતાનું જ મૂત્ર પીને જીવતા રહ્યા હોય. આવી આકસ્મિક પરિસ્થિતિમાં ‘બચાવના ઉપાય’ તરીકે પોતાનું મૂત્ર પીવાની વાત અજુગતી ન પણ લાગે પરંતુ ઘણા લોકો માને છે કે ‘સ્વસ્થ’ જીવન માટે પોતાનું જ મૂત્ર પીવાથી લાભ થાય છે.
ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પણ ઘણા લાંબા સમય સુધી ‘યુરિન થૅરપી’ અજમાવતા રહ્યા. અમુક લોકો દરરોજ પોતાનું મૂત્ર પીતાં જ નથી, પરંતુ એને રૂ વડે પોતાની ત્વચા પર પણ લગાવે છે. આ ઉપાયથી તેમની ત્વચા વધુ ચળકતી બની છે. ઘણા લોકો આ ઉપાયને ‘યુરિન થૅરપી’ કહે છે. તેમજ આ ઉપાય ‘યુરોફેજિયા’ નામે પણ ઓળખાય છે. “મારું જ મૂત્ર પીવાથી મને મારું અડધોઅડધ વજન ઉતારવામાં મદદ મળી છે.” આવા અનુભવો પણ થયા છે.
કેટલાક મચ્છરના કરડવાથી થતા દુખાવાથી છૂટકારો મેળવવા માટે પોતાનું મૂત્ર પીએ છે. પહેલાં તો એમને થોડું અજુગતું લાગ્યું, પરંતુ ધીરે ધીરે આદત પડી ગઈ. “હું રોજ સવારે થોડું મૂત્ર પીઉં છું. ભૂતકાળની સરખામણીએ મને હવે ઓછા મચ્છર કરડે છે. અને જો ક્યારેક કરડી જાય તો પણ સોજો, ખંજવાળ અને દુખાવો નથી થતો.” આવા અનુભવો થાય છે.
‘યુરિન થૅરપી’ અંગે આટલા બધા સારા અભિપ્રાયો જાણીને મનમાં તેના લાભો વિશે સવાલો ઊઠે એ સ્વાભાવિક છે. ચાઇના યુરિન થૅરપી ઍસોસિયેશનના સભ્યો અનુસાર મેઇનલૅન્ડ ચીનમાં લગભગ એક લાખ લોકો ‘યુરિન થૅરપી’ અનુસરે છે. ભારતમાં આને શિવામ્બુ કહેવાય છે. શિવામ્બુ પધ્ધતિ વિશે વાંચતા જ આપણને સૌને આપણા સ્વ. વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈનું સાદર સ્મરણ થાય છે. આપણને સૌને ખ્યાલ છે કે શ્રી મોરારજીભાઈ ઘણા વર્ષોથી શિવામ્બુ પાન કરતાં હતા. અને ભારત વર્ષના વડાપ્રધાન પદે પહોંચ્યાં પછી પણ આ પધ્ધતિનો ઉપયોગ તેમણે ચાલુ રાખ્યો હતો. અને તેનો જાહેર એકરાર જ નહીં પરંતુ બીજાઓને પણ આ પધ્ધતિનો ઉપયોગ કરવાની ભલામણ કરતા હતા.
સેંકડો વર્ષો પૂર્વે ‘શિવામ્બુ’ દ્વારા દરેક રોગનો ઇલાજ કરવામાં આવતો હતો. ‘શિવામ્બુ’ એટલે પોતાના જ મૂત્રનું સેવન. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભૂતકાળમાં આ ઉપચાર પધ્ધતિ માટે જણાવ્યું હતું કે આ પધ્ધતિથી અનેક અસાધ્ય દરદો મટયાં છે, એટલું જ નહિ પણ આવા રોગના દરદીઓ કાયમ માટે રોગમુક્ત બન્યા છે એવા ઘણા કેસોની મને જાણ છે. આ પધ્ધતિ તદ્દન સાદી, બીન-ખર્ચાળ અને બીન જોખમી છે અને એમાં ડોક્ટર કે વૈદ્યની રોજે રોજની સલાહની જરૂર પડતી નથી.
આ પધ્ધતિમાં દરદીને પોતાના જ મૂત્રનું સેવન કરવું પડે છે. મૂત્રને રસાયણ તેમજ કુદરતી જીવનશક્તિ ગણી એને દવા તરીકે લેવામાં આવે છે. આજ દિન સુધી જ્યારે અચાનક કોઈ ઘા શરીર પર પડે ત્યારે તેના પર પેશાબ કરવાથી રાહત મળે છે અને ‘ઘા’ થયેલી જગ્યાએ ‘પરું’ થતું નથી એવું જોવા મળે છે. એલોપથીમાં મૂત્રને ‘નકામા કચરા’ તરીકે ગણવામાં આવે છે અને સતત લોકોમાં આ પ્રચાર થતો હોવાથી પ્રજામાં ‘શિવામ્બુ ઉપચાર’ પધ્ધતિ તરફ સૂગ ભરેલી દ્રષ્ટિ રહી છે.
આ ઉપચાર પધ્ધતિ આમ તો ખૂબ જ પ્રાચીન છે. સેંકડો વર્ષ પહેલાં ખાસ કરીને હઠયોગીઓમાં સ્વમૂત્ર પીવાની પ્રથા પ્રચલિત હતી. આ વખતે દરેક સાધકનો યોગની સાધન કરતાં પહેલાં પોતાના શરીરનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે જાળવી લેવા માટે શિવામ્બુ કલ્પનો પ્રયોગ કરવો પડતો. તેનાથી તેમની તંદુરસ્તીમાં સુધારો થતો અને મન અને ઇન્દ્રિયો આદિના વિકારો ટાળવામાં સરળતા પડતી.
એ સમયમાં પણ શિવામ્બુ ઉપચાર પધ્ધતિને વધુ પ્રસિધ્ધિ મળી નહિ. છેવટે ભારતીય પ્રજાને આ પધ્ધતિનું જ્ઞાાન આપવાનું કાર્ય ઇંગ્લેન્ડના શ્રી જોન આર્મસ્ટ્રોંગે કર્યું. આર્મસ્ટ્રોંગ ક્ષય રોગની બીમારીથી લાંબા વખતથી પીડાતો હતો. નિષ્ણાત ડોક્ટરોએ એમની બીમારી અસાધ્ય હોવાનું જણાવ્યું. બાઇબલ વાંચતા વાંચતા તેની નજર બાઇબલના એક વાક્ય પર સ્થિર થઈ. ‘Drink water out of thine own cysturn ‘તારા પોતાના જ શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર.’ અને આર્મસ્ટ્રોંગના મગજમાં બત્તી થઈ. તેણે આનો અર્થ ‘સ્વમૂત્ર’ સમજી ઉપચાર શરૂ કર્યો અને બીમારી થોડા જ સમયમાં ગાયબ થઈ ગઈ. પછી તો તેણે ‘શિવામ્બુ ઉપચાર પધ્ધતિ’ને જ પોતાનું મીશન બનાવી દીધું. લગભગ ત્રીસ વર્ષ સુધી અનેકાનેક દરદીઓના ઉપચાર કરતાં મળેલા અનુભવો પર આધારિત તેણે ‘વોટર ઓફ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું.
આપણા પ્રાચીન ગ્રંથોમાં ડાબર તંત્રમાં ભગવાન શીવજીએ સ્વમુખે શિવામ્બુના વિવિધ ઉપયોગ દર્શાવતા ૧૦૭ શ્લોક દ્વારા પાર્વતીજીને આ પધ્ધતિનો મહિમા સવિસ્તાર સમજાવ્યો છે. ‘યોગ રત્ન ધન્વન્તરી નિધંતુ, હારિત સુશ્રુત’ વગેરે જેવા આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં સ્વમૂત્ર તથા પ્રાણીઓના મૂત્રના વિવિધ ઉપયોગ અંગે વર્ણન જોવામાં આવે છે. સામાન્ય સમજ પ્રમાણે બિન જરૂરી વિષદ્રવ્યો, એસીડ, ટોક્સીન્સવાળું મૂત્ર જે શરીરની બહાર ફેંકાય છે. તેનો ફાયદો કઈ રીતે થઈ શકે તેવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉઠે. આનો સરળ ઉત્તર એ છે કે આ બધી અશુધ્ધિઓ ઉપરાંત, મૂત્રમાં શરીરને ઉપયોગી અને બહુમૂલ્ય વિટામીન, ક્ષાર, લોહતત્વ, પ્રોટીન, એન્જાઈમ તથા હોર્મોન્સનો સમાવેશ થાય છે.
આ બાબત વૈજ્ઞાનિક પૃથ્થકરણ દ્વારા સાબિત થયેલી છે. એટલે સ્પષ્ટ છે કે પેશાબમાં વહી જતાં આવાં બહુમૂલ્ય અને ઉત્તમ દ્રવ્યો શરીરને તંદુરસ્ત રાખવામાં ખૂબ જ ઉપયોગી હોવાથી શિવામ્બુ પાન સહાયરૂપ થાય છે. આપને કદાચ એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે જાપાનની દવા બનાવનારી કંપનીઓ જાહેર મુતરડીઓમાંથી પેશાબ એકત્ર કરી તેમાંથી જીવન-રક્ષક ઇન્જેક્શનો બનાવે છે.
જેમાં યુરોફાઈનેસ પ્રોફાસી, એન્ટીનીઓ પ્લાસ્ટીન પ્રોગાનોલ જાણીતી છે. યુરોકાઈનેસ લોહીના ગઠ્ઠા (cloting)ને પીગળાવે છે. તેથી હૃદયરોગના હુમલામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્જેક્શનની કિંમત રૂ. ૩૫૦૦ જેટલી છે. આ કોઈ મનધડત કલ્પના નથી પરંતુ ગુડમેન એન્ડ ગ્લીમેન પબ્લીશર્સે આ માહિતી ૧૯૯૧માં પ્રકાશિત કરી છે.
શિવામ્બુ પીવા ઉપરાંત માલીસ, કોગળા કરવામાં નાક તથા કાનમાં ટીપાં નાખવામાં વાળમાં શેમ્પુ તરીકે દાંતના દર્દ માટે તથા બસ્તિ (એનીમા) તરીકેનો ઉપયોગ કરી શકાય છે.”
“મહારાજ, સ્વમૂત્ર ચિકિત્સાને તબીબી વિજ્ઞાાનનું સમર્થન છે. એ તો ચીન, જાપાન, સ્વીડન જેવા દેશોમાં માનવ મૂત્રમાંથી યુરેકાઈમઝ, પ્રોફેન્સી જેવી દવાઓ બનાવવામાં આવે છે એ પરથી ખબર પડી જાય. મૂત્રમાં રહેલાં ઔષધીય તત્વો જો મોંઘા હોય તો તેનો અર્થ એ કે અતિ દુર્લભ તત્વો પેશાબમાં રહેલાં છે અને તેથી સ્વમૂત્રપાન ફાયદાકારક છે. આમ આટલી બધી છણાવટ કર્યા પછી એમ જ કહેવું પડે કે યુરિન થેરપીમાં કોઈ રસકસ લાગતા હોય તો સ્વેચ્છાએ, ટ્રાયલરૂપે એનો પ્રયોગ કરવામાં વાંધો નથી.”
લેખકશ્રી સંજય થોરાત‘સ્વજન ‘ ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ છે)
mail@sanjaythorat.com
હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ
Download Mytro App https://bit.ly/mygan20
Connecting people and businesses of Gandhinagar. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ Facebook | Twitter | Telegram | Youtube
Disclaimer: ઉપરોક્ત લેખમાં જણાવાયેલ વિચારો, આંકડા કે તારણો તેના લેખકના પોતાના છે તેની સાથે mytro સંમત હોય તે જરૂરી નથી.